ચિંતા જ ચિંતા, રવિપાક માટે જોખમ : આ તારીખોએ, આ કારણે ગુજરાતના મોટાભાગના શહેરો ફરી ભીંજાશે

અરબી સમુદ્રમાં બે પ્રકારના લો પ્રેશર સર્જાતા સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે અને તા. 4-5 ડિસેમ્બરે હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે.

ચાલુ વર્ષે ગુજરાતમાંથી મેઘરાજા જવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના તમામ લોકોને ઝટકારૃપ સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 અને 5 ડિસેમ્બરના વરસાદની આગાહી કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતા ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ લો પ્રેશર સક્રિય થયા છે. જેમાંથી દક્ષિણ-પશ્ચિમ તરફનું લો પ્રેસર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે, જ્યારે અન્ય દક્ષિણ-પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતા વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ લો-પ્રેશરને કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. સોમવારે શહેરમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હતું. આ સમાચારની સાથે ખેડૂતોના રવિપાકને મોટી હાનિ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજ્યના ખેડૂતોને હાલ બે બાજુથી માર પડી રહ્યો છે. એક બાજુ પાક વીમાની રકમ તેમની પાસે આવતી નથી, ઉપરથી વરસાદ તેમના રવિપાકોને પણ બગાડી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો બિચારા જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આથી દરિયામાં ઊભા થતા લો-પ્રેશર ખેડૂતોનું બ્લડપ્રેસર વધારી શકે છે.