મોંઘી ડૂંગળીની અસર, ખેતરમાંથી ચોરો આખો ઉભો પાક ઉખેડીને ચોરી ગયા

બજારમાં ડુંગળીના સાતમા આસમાને પહોંચેલા ભાવોને લીધે હવે ડુંગળીનો પાક ખેડૂતના ખેતરમાં પણ સલામત નથી. આવા જ એક અનોખા કિસ્સામાં, મધ્યપ્રદેશના મંદસૌરથી 25 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં ચોરોએ ખેડૂતના ખેતરમાંથી 30,000 રૂપિયાનો ડૂંગળીનો પાક કાપીને ચોરી ગયા હતા.

મંદસૌરના નારાયણગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર.એસ. બીલવાલે જણાવ્યું હતું કે, જિલ્લાના રીછા બાચ્ચા ગામના ખેડૂત જીતેન્દ્ર કુમારે મંગળવારે ફરિયાદ કરી હતી કે સોમવારે રાત્રે અજાણ્યા શખ્સો તેના ખેતરના ચાર વિઘામાં વાવેલી સાત ક્વિન્ટલ ડુંગળીને ઉખેડી નાંખીને ચોરી ગયા હતા. લગભગ 30,000 રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતે પોતાની અરજીમાં એમ પણ લખ્યું છે કે ચોરોએ કાચી ડુંગળીને ખેતરમાંથી કાપી લીધી હતી, જ્યારે તેના લીલા પાંદડા ખેતરમાં જ છોડીન જતાં રહ્યા હતા.

છેલ્લા ઘણા મહિનાઓથી, બજારમાં ડુંગળીના ભાવમાં તોતીંગ વધારો થયો છે. સામાન્ય રીતે જે ડુંગળી પ્રતિ કિલો 15-20 રૂપિયામાં મળતી હતી, તે કિલો દીઠ 80૦-1૦૦ રૂપિયામાં વેચાઇ રહી છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં ઉદ્યોગપતિએ પોલીસને ફરિયાદ કરી હતી કે, નાસિકથી ગોરખપુર જઇ રહેલી ટ્રકમાં 20-22 લાખની કિંમતના ડુંગળીની ચોરી થઈ હતી. આ ટ્રક શિવપુરીમાં ખાલી હાલતમાં મળી આવી હતી, જ્યારે તેની સાથે ભરેલી 40 ટન ડુંગળી ટ્રકમાં નહોતી.