ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થતો હોવાનો સરવે

ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે એક સર્વેનો સંદર્ભ ટાંકીને એવો દાવો કર્યો છે કે ગુજરાતમાં દેશભરમાં ઓછો ભ્રષ્ટાચાર થાય છે. તેમણે વિવિધ પારદર્શક પદ્ધતિઓ અને સરકાર દ્વારા તંત્રો પર રખાતી નિગરાનીના કારણે ભ્રષ્ટાચાર ઘટી ગયો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ પૈસા વિના કામ થતા નથી. તેવો આક્ષેપ પણ થતો રહ્યો છે.

ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રૃપાણી સરકારના ૫ારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર વિરોધી નીતિના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચાર દેશમાં સૌથી ઓછો છે, મતલબ કે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થાય છે.

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના અભિયાનના કારણે દેશભરમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું છે.
સૌરભ પટેલે આ માટે ‘ઈન્ડિયા કરપ્શન સર્વે-૨૦૧૯’નો સંદર્ભ આપ્યો. તેમણે કહ્યું કે દેશની અગ્રગણ્ય, બિન સરકારી અને સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરેન્સી ઈન્ટરનેશનલ લિમિટેડ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વે મુજબ દેશમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ગુજરાતમાં છે. આ સર્વેને લઈને સૌરભ પટેલે પોતાની સરકારની પીઠ થપથપાવી છે.

તેમણે આ સરવેની વિગતો આપતા કહ્યું કે દેશના ૨૦ રાજ્યોના ૪૨૮ જિલ્લાઓના અલગ-અલગ વિસ્તારોના લગભગ બે લાખ શહેરી અને ગ્રામ્ય નાગરિકોનો સંપર્ક કરીને આ એજન્સીએ સર્વે કર્યો છે.
આ સર્વે મુજબ સૌથી વધુ ૭૮ ટકા રાજસ્થાનના લોકોએ કહ્યું છે કે તેને સરકારી કામકાજ માટે લાંચ આપવી પડે છે. જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા લોકોએ આવું કહ્યું છે.

સૌરભ પટેલે કહ્યું કે સરકારના મોટા ભાગના વિભાગોમાં લોકોને લગતા રોજિંદા કામો ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે, જેથી લોકોને ધક્કા ખાવા પડતા નથી અને તેના કામો સરળતાથી થઈ જાય છે. આ કારણે ગુજરાત ભ્રષ્ટાચાર ઓછો કરવામાં દેશમાં મોખરે રહ્યું છે.

મહેસૂલ વિભાગમાં ઓનલાઈન એન.એ. એટલે કે જમીનને બિનખેતીના હેતુ માટે પ્રમાણિત કરવા, એનઓસી એટલે કે વિવિધ કામો માટે સરકારનું ‘ના-વાંધા પ્રમાણપત્ર’, કોઈ પણ સ્થળેથી જમીનનો ૭-૧૨ અને ૮ (બ) નો દાખલો ઓનલાઈન મેળવવાની વ્યવસ્થા અને આઈ.ઓ.આર. એ જેવા પારદર્શક કાર્યક્રમો દ્વારા નો-ડ્યુ સર્ટીફીકેટ અને ઉત્તરાધિકારના દસ્તાવેજનો ઝડપથી મળે તેવી વ્યવસ્થા થઈ છે. ઓનલાઈન બિલ્ડીંગ પરમિશન ઉ૫રાંત લાભાર્થીઓને ડીબીટી, ઉદ્યોગો માટે વિદ્યુતશુલ્કમાં માફી જેવા ઓનલાઈન પોર્ટલ તથા લઘુઉદ્યોગો અને મધ્યમકક્ષાના ઉદ્યોગો માટે અરજીના આધારે પાંચ મિનિટમાં ઓનલાઈન પરમિશન આપવાની વ્યવસ્થાના કારણે જે પારદર્શિતા આવી છે. તેમાં લોકોને વધુમાં વધુ વિશ્વાસ જાગ્યો હોવાનો દાવો પટેલે કર્યો છે.

આ સર્વેનો સંદર્ભ આપતા પટેલે ખાણ-ખનિજની ઓનલાઈન હરાજી, ડ્રોનના ઉપયોગ દ્વારા ગેરકાનૂની ખનિજ પ્રવૃત્તિઓ પર નિગરાની, મુખ્યમંત્રી દ્વારા સીએમ ડેક્સબોર્ડના ૩૪૦૦ આયામો દ્વારા સચિવાલયના વિભાગો અને જિલ્લાતંત્રો પર નિગરાનીના કારણે અરજદારોને તેના કામો માટે એક પૈસો પણ આપ્યા વિના લોકોના કામો થઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે.

મંત્રીએ એ.સી.બી.ને છૂટો દોર આપવાની વાત કરતા કહ્યું કે બટન કેમેરા, પેન કેમેરા, વોયસ રેકોર્ડર, સ્પેક્ટોગ્રાફી જેવા આધુનિક સાધનો એન્ટીકરપ્શન બ્યુરોને પૂરા પાડ્યા હોવાથી હવે ભ્રષ્ટાચારી બાબુઓની ખેર નથી તેવા મતલબની વાત કરીને કહ્યું કે લોકોના કામો વિનાવિલંબે સરળતાથી થાય તેવી સુદૃઢ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારી રહી છે.

આ સરવે મુજબ ઓડિશા, કેરળ અને હરિયાણા પણ ઓછા ભ્રષ્ટાચારવાળા રાજ્યો છે. આ સર્વેમાં ૬૪ ટકા પુરૃષો અને ૩૬ ટકા મહિલાઓના અભિપ્રાયો મેળવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એજન્સીના દાવા મુજબ ૧ લાખ ૯૦ હજાર જેટલી પ્રતિક્રિયાઓ મળી છે. આ સર્વે રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે કરાયો હતો અને રાજ્યસ્તરેથી પણ ૭૦ હજાર જેટલી પ્રતિક્રિયાઓ મળી છે.