ભાજપના પૂર્વ મંત્રી જયંતિ કાવડીયા વિરુદ્વ ખેડુતોના ધરણા, 375 વિઘા જમીન પચાવી પાડવાનો છે આરોપ

ગુજરાતના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ હળવદ તાલુકાના માનગઢ ગામની 375 વિઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.

ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ગામના મુસ્લિમ ઘાંચી પરિવારની જમીનને કવાડિયાએ પચાવી પાડી છે જે ગામના ખેડૂતો આઝાદી બાદ ખેડતા હતા અને વીઘોટી પણ આપતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ આ જમીન ખોટા સોગંધનામા દ્વારા વારસદારો ઉભા કરી તેમના પરિવાર તેમજ મળતિયાઓના નામે કરી લીધી છે. ખેડૂતોએ જમીનના સરવે નંબર પણ રજૂ કર્યાછે.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 1947માં દેશના ભાગલા બાદ માનગઢના ખાતેદાર આદમ કાળા ઘાંચી અને અન્ય મુસ્લિમ ખેડૂત ખાતેદાર માનગઢ છોડી પાકિસ્તાન સ્થાયી થયા હતા. ઘાંચી આદમ કાળા અને અન્ય મુસ્લિમોની આશરે 375 વિઘા જમીન માનગઢના રેવન્યૂ રેકર્ડમાં હતી. તેમના પાકિસ્તાન ગયા પછી આ જમીનના કોઈ વારસદાર નહોતા. આ જમીનને ગામના પટેલ, ક્ષત્રીય, બ્રાહ્મણ, વગેરે ખેડૂતો ખેડતાં હતા અને વિઘોટી પણ ભરપાઈ કરતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ ફાઇલોનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે જમીન ખેડી ખાવ અને બાદમાં પોતાના પરિવાર અને મળતિયાઓના નામે સોગંધનામા કરી ખોટા વારસદારો ઉભા કરી જમીન પચાવી પાડી હતી.

ખેડૂતોએ આ જમીન કવાડિયા તેમજ તેમના પરિવાર અને મળતિયાઓના નામે પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે, કવાડિયાના પુત્ર અમૃત કવાડિયા, હળવદ તાલુકા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજની શંકર સંઘાણીના પત્ની હિના રામજી સંઘાણી,પુત્ર પ્રયાગ રજની સંઘાણી, અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલના પુત્રવધુ અસ્મિતા યુવરાજ ગોહિલ, મજનુભાઈ ઉસ્માન ભાઈ ઘાંચીના નામે ખોટી રીતે વારસદારો ઉભા કરી જમીન પચાવી પાડી લીધી હોવાનો આક્ષેપ છે.