ચાય પે ખર્ચા: ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાશે, ખાંડ બનશે કડવી, થઈ શકે છે આટલો વધારો

દેશમાં ખાંડના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પૂર તથા દુકાળની સ્થિતિને કારણે ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમ 2019-20માં દેશમાં ખાંડનું ઉત્પાન ગત મોસમના 332 લાખ ટન સામે 18 ટકાથી ઘટીને 273 લાખ ટન આસપાસ રહે તેવી શક્યતા રાજ્યસભામાં વ્યક્ત કરવામાં આવી છે.આના કારણે ખાંડની અછત સર્જાવા સાથે ખાંડ કડવી બનવાનાં સંકેત મળી રહ્યા છે.

રાજ્યકક્ષાના અનાજ અને ગ્રાહક બાબતોનાં પ્રધાન દાનવે રાવસાહેબ દાદારાવે એક પ્રશ્ર્નનો લેખિતમાં ઉત્તર આપતા જણાવ્યું હતું કે વર્તમાન ખાંડ મોસમમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ખાંડ મિલોએ ગત મોસમની સરખામણીમાં વહેલું પિલાણ શરૂ કર્યું છે, પરંતુ દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન ગત સાલના 332 લાખ ટન સામે ઘટીને 273 લાખ ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

વધુમાં મહારાષ્ટ્રનાં સુગર કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં ખાંડનું ઉત્પાદન ગત મોસમના 107 લાખ ટન સામે ઘટીને 58.3 લાખ ટન આસપાસ રહેશે. જોકે, પ્રધાને જણાવ્યું હતું કે મોસમના આરંભનો સ્ટોક 140 લાખ ટન અને 273 લાખ ટનના આ વર્ષના ઉત્પાદનને ધ્યાનમાં લેતાં કુલ ઉપલબ્ધિ વાર્ષિક 260 લાખ ટન સામે 413 લાખ ટનની રહેશે આથી મોસમ દરમિયાન ખાંડની અછત સર્જાવાની શક્યતા નથી.

ખાંડના ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસ્મા)એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અમુક વિસ્તારોમાં પૂરતો અમુક વિસ્તારોમાં વરસાદની ખેંચને કારણે શેરડીનાં પાક પર વિપરીત અસર તેમ જ અમુક ઉત્પાદન ઈથેનોલ તરફ વળવાને કારણે વર્તમાન વર્ષ 2019-20ની ખાંડ મોસમ માટે ઉત્પાદનનો અંદાજ અગાઉના અંદાજ કરતાં ઘટાડીને 2.82 કરોડ ટનનો મૂક્યો હતો.

અન્ય એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગનાં સૂત્રો અનુસાર ભારતીય ખાંડ મીલો અને કોફકો કોર્પોરેશન ઑફ ચાઈના સાથે 22,000 ટન કાચી ખાંડનો પુરવઠો પૂરો પાડવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.