પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, અજાણી કાર ઘૂસી ગઈ ઘરમાં, આ હતું કારણ…

ગયા અઠવાડિયે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા બહાર આવ્યા હતા. અજાણ્યા લોકો કાર લઈ ઘરમાં ઘૂસી ગયા હતા. પ્રિયંકા ગાંધીના ઘરમાં કાર ધૂસાડનારા અજાણ્યા લોકો કથિત રૂપે તેમના નિવાસસ્થાને સેલ્ફી લેવા ગયા હતા.  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો સીઆરપીએફએ ગંભીરતાથી ધ્યાને લીધો છે.

નોંધપાત્ર વાત એ છે કે સરકારે તાજેતરમાં જ ગાંધી પરિવારના એસપીજી કવચને હટાવી લીધો છે. હવે તેમને ઝેડ-પ્લસ કેટેગરીની સુરક્ષા મળી છે જેમાં સીઆરપીએફના જવાનો સુરક્ષાને સંભાળે છે. કોંગ્રેસ નેતા અમી યાજ્ઞિકને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો આ વાત સાચી છે તો સરકારે એસપીજીને હટાવ્યા પછી શું થઈ રહ્યું છે તે જણાવવું જોઈએ.

દરમિયાનમાં આ મામલા અંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના લોધી એસ્ટેટના મકાનમાં સુરક્ષામાં કથિત ભંગની જાણ નથી અને તેઓ આ અંગે માહિતી લેશે.

આ વિશે પૂછતાં રેડ્ડીએ સંસદ સંકુલમાં પત્રકારોને કહ્યું, ‘હું જાણતો નથી. હું હમણાં જ લોકસભામાંથી આવું છું. હું પોલીસ પાસેથી માહિતી લઈશ. હું અધિકારીઓ સાથે વાત કરીશ.