ચંદ્રયાન-3 પ્રોજેક્ટની પૂર્વ તૈયારીનો પ્રારંભઃ સંસદ પાસે 75 કરોડ માંગ્યા

કેન્દ્ર સરકારે ચંદ્રયાન-3 પ્રોજેક્ટની પૂર્વતૈયારીનો આરંભ કરી દીધો હોવાની જાણકારી મળી હતી. તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પૂરક માગ માટેના દસ્તાવેજોમાં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ માટે સંસદ પાસે 75 કરોડ રૂપિયાની ફાળવણીની માગણી મૂકી હતી.

2019-20ના નાણાંકીય વર્ષ માટેના અનુદાનોમાં આ પ્રસ્તાવનો પણ સમાવેશ થયો હતો. આ રકમ બે તબક્કે મળે એ રીતે માગણી કરવામાં આવી હતી. આ રકમ ચંદ્રયાન-3 પ્રોજેક્ટ માટે વાપરવામાં આવશે એમ આ દસ્તાવેજોમાં જણાવાયું હતું.

પૂરક માગણીઓના દસ્તાવેજોમા બે રીતે આ માગણી રજૂ કરાઇ હતી. પહેલાં 15 કરોડ રૂપિયા માગવામાં આવ્યા હતા જે ચંદ્રયાન-3 પ્રોજેક્ટ માટે હોવાનું જણાવાયું હતું. બીજી માગણીમાં આ પ્રોજેક્ટ માટે જરૂરી સાધન-સામગ્રી અને અન્ય ખર્ચા માટે 60 કરોડ ફાળવવાની માગણી પણ કરવામાં આવી હતી. કુલ 75 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માગણી આ રીતે બે ભાગમાં કરાઇ હતી.