દંગલ ગર્લ બબીતા ફોગાટે સાતના બદલે આઠ ફેરા લઈને ભારત કેસરી રેસલર વિવેક સુહાગ સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, બંનેએ સાતને બદલે આઠ ફેરા સાથે ‘બેટી બચાવો-બેટી પઢાવો’નો સંદેશ આપ્યો. હરિયાણાના બલાલી ગામમાં સાદા લગ્ન સમારોહમાં પરિવાર ઉપરાંત અનેક વિદેશી પહેલવાનો પણ હાજર હતા.
છેલ્લા એક અઠવાડિયાથી બંને પરિવારોમાં લગ્નને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. રવિવારે સાંજે સાડા સાત વાગ્યે સરઘસ બલાલી પહોંચ્યું હતું, જ્યાં કોઈ દાન અથવા દહેજ લીધા વિના લગ્નવિધિ પૂર્ણ કરાઈ હતી. લગ્નમાં ફક્ત 21 જેટલા જ જાનૈયાઓએ હાજરી આપી હતી.
બીજી ડિસેમ્બર આજે, દિલ્હીમાં બંને પક્ષ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર ઘણા નેતાઓ અને વિદેશી કુસ્તીબાજો આવે તેવી સંભાવના છે. બબીતા ફોગાટ અને વિવેક સુહાગ મોટી હસ્તીઓને મળીને લગ્નનું નિમંત્રણ આપ્યું હતું.
બબીતાની લગભગ પાંચ વર્ષથી દિલ્હીના નજફગઢના વિવેક સુહાગ સાથે મિત્રતા હતી, જે ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ પછી, બંનેએ તેમના પરિવાર સાથે સંબંધો વિશે વાત કરી અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ વર્ષે બીજી જૂને બંનેના પરિજનોએ આ સંબંધને મંજૂરી આપી હતી. વિવેક સુહાગ મૂળ ઝાંઝર જિલ્લાના ગામ માથાનાહેલનો વતની છે. ભારત કેસરીનો ખિતાબ જીતનાર રેસલર વિવેક હાલમાં ભારતીય રેલ્વેમાં કાર્યરત છે.