60 લાખ રૂપિયાનો સાંપ હોય કે?, બ્લેક મેજિકમાં વપરાતા સાંપ સાથે સુરત, ભરૂચના યુવાનો મુંબઈમાં પકડાયા

બ્લૅક મેજિક અને ઔષધિ માટે ઉપયોગમાં લેવાતા દુર્લભ માંડુળ પ્રજાતિનો સર્પ અંદાજે ૬૦ લાખ રૂપિયામાં વેચવા માટે દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા ગુજરાતના ત્રણ રહેવાસી સહિત ચાર જણની પોલીસે ધરપકડ કરી હતી.

કોલાબા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પ્રફુલભાઈ ડાયાભાઈ પરમાર (58), ઈસ્માઈલ મોહમ્મદ લાખી (54), ઈમ્તિયાઝ ઈકબાલ ભાટિયા (40) અને અબ્દુલ અસગર અલી (42) તરીકે થઈ હતી. પરમાર સુરતના પાલનપુર ગામનો, જ્યારે ઈસ્માઈલ લાખી અને ઈમ્તિયાઝ ભાટિયા ભરૂચના પાનોલી ખાતેના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી અબ્દુસ અલી મૂળ આસામનો વતની હોવાનું કહેવાય છે. કાળા જાદુ અને ઔષધિ માટે ઉપયોગમાં લેવાતા માંડુળ પ્રજાતિનો સાપ વેચવાને ઇરાદે કેટલાક લોકો કોલાબા વિસ્તારમાં આવવાના હોવાની માહિતી કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીને મળી હતી.

માહિતીને આધારે પોલીસની ટીમે શનિવારે રાતે આઠ વાગ્યાની આસપાસ કોલાબામાં વૂડ હાઉસ રોડ પરના બકલી કોર્ટ નજીક છટકું ગોઠવ્યું હતું. પોલીસે શંકાસ્પદ ઈન્નોવા કારને રોકી તપાસ કરી હતી. પ્લાસ્ટિકની થેલીમાંથી અંદાજે ચાર ફૂટ લાંબો જીવતો સર્પ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે60 લાખ રૂપિયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આરોપી સાપ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હતા તેની તપાસ પોલીસ કરી રહી છે