ડેપ્યુટી સીએમ અંગે મહારાષ્ટ્ર સરકારમાં સસ્પેન્સ, અજિત પવાર માટે મોટી મોકાણ

શિવસેનાએ સાથે મળી કૉંગ્રેસ-એનસીપીએ સરકાર બનાવ્યા બાદ અને વિશ્ર્વાસનો બહુમત સિદ્ધ કર્યા બાદ પણ અમુક મામલે સર્વસંમતિ સાધવામાં આવી નથી. મુખ્ય પ્રધાનપદ શિવસેનાને આપવામાં આવ્યું છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાનપદ એનસીપી પાસે રહ્યું છે. અગાઉ કૉંગ્રેસના પણ એક નાયબ મુખ્ય પ્રધાન રહેશે, તેવી વાતચીત ચાલી રહી હતી, પરંતુ કૉંગ્રેસના જ એક નેતાના જણાવ્યા અનુસાર પક્ષે માત્ર સ્પીકરપદથી સંતોષ માનવો એમ લાગે છે.

ઠાકરે સરકારમાં માત્ર એક જ નાયબ મુખ્ય પ્રધાન રહેશે. દરમિયાન એનસીપીના નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે પક્ષે હજુ નાયબ મુખ્ય પ્રધાનપદ કોને આપવું તે નક્કી કર્યું નથી. આ અંગે અંતિમ નિર્ણય એનસીપીના વડા શરદ પવાર કરશે. નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજિત પવારનું નામ સામે આવ્યું હતું, પરંતુ તેમણે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા બાદ પક્ષ તેમને આ પદ નહીં આપે તેમ માનવામાં આવે છે. જો અજિત પવારને પદ નહીં આપવામાં આવે તો જયંત પાટીલ આ પદના સૌથી સશક્ત દાવેદાર માનવામાં આવે છે.

જોકે, અજિત પવારે જણાવ્યું હતું કે પક્ષ મને જે પણ જવાબદારી આપશે તે લેવા હું તૈયાર છું. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર અજિત પવાર પક્ષમાં બીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે અને આ પદ તેમને મળે તેવી પૂરી શક્યતા છે. દરમિયાન એનસીપીના નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાનપદ અંગેનો નિર્ણય 22 ડિસેમ્બર બાદ થશે.

મહા વિકાસ આઘાડી સરકારનું પહેલું શિયાળુ સત્ર 16થી 22 ડિસેમ્બર દરમિયાન નાગપુર ખાતે યોજાશે. તે બાદ પ્રધાનમંડળના વિસ્તરણ અને નાયબ મુખ્ય પ્રધાન અંગેનો નિર્ણય થશે. શિયાળુ સત્ર દરમિયાન રાજ્યના માત્ર છ પ્રધાન સરકારનું પ્રતિનિધિત્વ કરશે, તેમ હાલમાં જણાઈ રહ્યું છે.