દિગ્ગજફિલ્મસર્જક ઇમ્તિયાઝ અલી અત્યારે અભિનેત્રી મધુબાલાના જીવન પર બાયોપિક બનાવવાની યોજના બનાવી રહ્યા છે. મધુબાલા હિન્દી સિનેમાની સૌથી આઇકોનિક અભિનેત્રીઓમાંની એક છે. તેની સુંદરતા પર આજે પણ લોકો ફિદા છે. તેના જેવી સુંદરતા દર્શકોને અન્ય અભિનેત્રીઓમાં નથી દેખાતી. તે હયાત હતી ત્યારે પણ બહુ લોકપ્રિય હતી અને દર્શકો તેની ફિલ્મો જોવા તલપાપડ રહેતા. મધુબાલાનીયાદગાર ફિલ્મો ‘મહલ’, ‘મિ. એન્ડ મિસિસ ફિફ્ટી ફાઇવ’ અને‘મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મો દર્શકોને આજે પણ જોવી ગમે છે.
અભિનેત્રી ફક્ત 36 વર્ષની ઉંમરે જ હૃદયની બીમારીને કારણે અવસાન પામી હતી. તેના જીવનની વાતો લોકોને આકર્ષે તેવી છે. આથી જ અલી તેના પર ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, અગાઉ પણ કેટલાક સર્જકો તેના પર ફિલ્મ બનાવવા થનગનતા હતા, પણ કોઇનો મેળ પડ્યો નહીં. હવે અલી આ ફિલ્મ પર હાથ અજમાવવા માગે છે. તેમણે મધુબાલાના જીવન પર બાયોપિક બનાવવાના રાઇટ્સ પણ મેળવી લીધા છે.
જોકે, તે તેના પર ફિલ્મ બનાવશે કે વૅબ સિરિઝ તે હજુ નક્કી નથી. અત્યારે તેની પટકથા પર કામ ચાલી રહ્યું છે. તેમાં અભિનેત્રીના જીવનના બધા પાસાંને આવરી લેવાશે. તેના જીવનની શરૂઆતથી લઇને શોમેનરાજકપૂર સાથે પહેલી ફિલ્મ ‘નીલ કમલ’ મળી ત્યાંથી લઇને તેનું અંગત ઝંઝાવાતી જીવન અને માંદગી એ દરેક પાસાં દેખાડવામાં આવશે. અલીએ ફિલ્મ બનાવવા માટે અભિનેત્રીના કુટુંબીજનો પાસેથી સત્તાવાર અધિકાર ખરીદ્યા છે. તેની બાયોપિક બનાવવામાં જોકે, કોઇ જાતની કાલ્પનિક ઘટનાઓ નહીં ઉમેરાય. તેમણે હિન્દી ફિલ્મ બનાવવા માટેના જ રાઇટ્સ લીધા છે અને તે આ પ્રોજેક્ટ પોતાના બૅનર હેઠળ બનાવશે. એવી વાતો પણ વહી રહી છે કે મધુબાલાની ફિલ્મ માટે મુખ્ય ભૂમિકામાં પ્રિયંકા કંડવાલને લેવાશે, જે ‘ટિક ટોક મધુબાલા’ તરીકે લોકપ્રિય છે.
બીજી બાજુ, અભિનેત્રી મધુબાલાની બહેન મધુર બ્રિજ ભુષણે કેટલાક સમય પહેલા એવો નિર્દેશ કર્યો હતો કે જો કરીના કપૂર ખાનસ્ક્રીન પર મધુબાલાનો રોલ કરશે તો તેને ગમશે. તે કહે છે, એક સમયે માધુરી દીક્ષિત આ રોલ કરે તેવી મારી ઇચ્છા હતી, પણ હવે તે શક્ય નથી. આથી કરીનાનું નામ મને યોગ્ય લાગે છે, કારણ કે તેનામાં મારી બહેન જેવી ચંચળતા, રમૂજ અને સંવેદનશીલતા બધું જ દેખાય છે. તે બહુ પ્રતિભાશાળી અભિનેત્રી છે અને સુંદર પણ છે.
ઇમ્તિયાઝ અલી અત્યારે તેમની આગામી ફિલ્મ ‘આજ કલ’માં વ્યસ્ત છે, જેમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન છે. આ ફિલ્મ 2009માં આવેલી તેમની જફિલ્મ ‘લવ આજ કલ’ની સીક્વલ છે.