અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયા કરે છે અને વરસાદ કેડો મૂકતો નથી, ફરીવાર વરસાદની આગાહી

ગુજરાતમાં બિલ્લીપગે શિયાળો જામી રહ્યો છે, આ દરમિયાનમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોથી ડિસેમ્બરે માવઠું થવાની આગાહી કરી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેને કારણે હવામાનમાં પલટો આવશે. અને ચોથી ડિસેમ્બરે આણંદ, સુરત, ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસામાં તો જોરદાર વરસાદ થયો જ હતો ત્યારબાદ કમોસમી માવઠા દરમિયાન પણ રાજયનાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો જેના કારણે ખેતીને ખાસ્સી અસર પડી હતી તેવામાં ફરી એકવાર કમોસમી માવઠાની આગાહીએ ખેડુતોમાં ચિંતા પ્રસરાવી છે આ વખતે કમોસમી માવઠાને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અને સરકારને પણ રાહત સહાય જાહેર કરવાની ફરજ પડી હતી.