ફાસ્ટટેગ: સુરતના કાર ચાલકને થયો ચોંકાવનારો અનુભવ, ટોલનાકાથી કાર પસાર થઈ એક વખત, ચાર્જ કપાયો ત્રણ વખત

ટોલ પ્લાઝા પર હજુ ફાસ્ટટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી નથી ત્યાં તો છીંડા નીકળવાના શરૂ થઈ ગયા છે. વાપીથી સુરત આવી રહેલી કારને બોરીયાચ ટોલ પ્લાઝા પર ચોંકાવનારો અનુભવ થયો હતો. ટોલ નાકાથી પસાર થયા બાદ કારના માલિકના અકાઉન્ટમાંથી ત્રણ વખત ટોલનાકાનો ટોલચાર્જ કપાઈ ગયો હતો.

કેન્દ્ર સરકારે ફાસ્ટટેગની મુદ્દત પંદરમી ડિસેમ્બર સુધી લંબાવી છે, ત્યારે કેટલાક ટોલનાકા પર ફાસ્ટટેગની સિસ્ટમ કાર્યાન્વિંત કરવામાં આવી છે. સુરત-વાપીના હાઈવે પર બોરીયાચના ટોલનાકા પર સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા યુવાનને કડવો અને ચોંકાવી નાંખ તેવો અનુભવ થયો હતો. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા દિનેશ શાહ નિયમીત રીતે સુરત-વાપી વચ્ચે કારમાં અપડાઉન કરે છે. ગઈકાલે શુક્રવારે પણ તેઓ સુરતથી વાપી ગયા હતા અને ટોલ ભરવા માટે બોરિયાચ ટોલનાકાથી પસાર થયા હતા.

ફાસ્ટટેગ મારફત ટોલચાર્જ ચૂકવી દીધો હતો અને તેઓ સુરત આવ્યા હતા. સુરત આવ્યા ત્યાં સુધીમાં ટોલચાર્જ તેમના ખાતામાંથી કપાયો ન હતો. પણ શનિવારે સવારે ઉઠ્યા ત્યારે મોબાઈલમાંથી ચાર્જ કપાયાનો મેસેજ આવ્યો હતો. બોરિયાસ ટોલનાકાથી એક વખત પાસ થવાનો ચાર્જ 60 રીપિયા છે. પણ જ્યારે મેસેજ જોયો તો ત્રણ-ત્રણ વખત ટોલચાર્જ કપાઈ ગયો હતો. આમ તેમના અકાઉન્ટમાંથી એક વખતના 180 રૂપિયા કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

દિનેશ શાહે મીડિયાને કહ્યું કે ત્રણ વખત ચાર્જ કપાયા બાદ પણ ટોલની રકમ બાકી એટલે પેન્ડીંગ બતાવવામાં આવી રહી છે. ટોલનાકા પર ફોન કરતાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. આવી સમસ્યા માટે કોઈ હેલ્પની સિસ્ટમનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે તેમના વધારાના કપાયેલા રૂપિયા કેવી રીતે પરત આવશે તે મસમોટો પ્રશ્ન છે.