મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે બિનબહરીફ ચૂંટાઈ આવતા કોંગ્રેસના નાના પટોલે, ભાજપે છેક છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર બન્યા છે. આજ સુધીની રાજ્ય વિધાનસભાની પરંપરા મુજબ તેઓ બિનહરીફ ચૂંટાયા છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નવા ગઠબંધન મહાવિકાસ અઘાડીએ સંયુક્ત રીતે તેમને સ્પીકર પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા.

આ પહેલા વિપક્ષ ભાજપે છેક છેલ્લી ઘડીએ તેના સ્પીકર પદના ઉમેદવાર કિશન કઠોરેનું નામ પાછું ખેંચી લીધું હતું. પટોલેની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નાના પટોલે ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે તેઓ બધા સાથે ન્યાય કરશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષની ચૂંટણીને બિનહરીફ કરવાની પરંપરા પણ રહી છે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, ‘ભાજપે વિધાનસભા અધ્યક્ષ પદ માટે કિશન કઠોરેની ઉમેદવારી કરી હતી. જોકે, નવા ચૂંટાયેલા ધારાસભ્યોની વિનંતી બાદ અમે તેમની ઉમેદવારી પરત લેવાનો નિર્ણય લીધો છે.

ઉદ્ધવ સરકારમાં કેબિનેટ પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબલે પણ કહ્યું હતું કે, ‘ વિપક્ષે સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરંતુ અમારા ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી વિનંતી અને વિધાનસભાની શુદ્ધતા જાળવવા માટે નામ પાછું ખેંચ્યું છે. ‘

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધન મહાવિકાસ અઘાડી વતી અધ્યક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. નાના પટોલે ભાજપના પૂર્વ સાંસદ છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવી સાંસદ પદેથી રાજીનામું આપીને ભાજપ છોડી દીધો હતો. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

ભાજપે મુરબાડના ધારાસભ્ય કિશન કઠોરેને અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા. જોકે, રવિવારે અંતિમ મુદ્દત (સવારે 10 વાગ્યે) પૂરી થાય તે પહેલાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. કિશન કઠોરે અગાઉ કોંગ્રેસમાં હતા. તે બે વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા.