ભણે છે ગુજરાત, વરવી મજાક: અમદાવાદની આંગણવાડીઓમાં બાળકોના ફળ માટે અપાશે માત્ર એક રૂપિયો

ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આંગણવાડીમાં બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. જ્યાં પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારનાં નવા પરિપત્ર મુજબ બાળકોને આપવામાં આવતાં આહારના મુલ્ય પર સવાલ ઉઠ્યા છે.

સવાલ છે કે શું ખરેખર રાજ્ય સરકાર બાળકોના પોષણ માટે વિચારે છે? અમદાવાદ જિલ્લામાં 1527થી વધારે આંગણવાડી કાર્યરત છે. કેટલીક આંગણવાડી સરકારે બનાવી આપી છે, તો કેટલીક આંગણવાડી માટે સરકાર ભાડું આપે છે. પરંતુ આ જ આંગણવાડીમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે કદાચ સરકાર ચિંતીત નથી.આંગણવાડીમાં બાળકોને યોગ્ય સુવિધા મળે તે માટે પણ અનેક સવાલ છે.

આ સવાલનો જવાબ મેળવવા અમદાવાદમાં રામપીર ટેકરા પાસે આવેલી આંગણવાડીમાં નાનકડાં ઘરના આ દ્દશ્યો ચોંકાવનારા હતા. આંગણવાડીમાં ૨૨ જેટલાં બાળકો ત્યાં પડેલો ખોરાક અને એક નાનકડો રૂમ. આ દ્દશ્યો એ સમજાવી શકે છે કે આખરે આંગણવાડી માટે સરકાર કેટલી ચિંતીત છે.અગાઉ એક બાળક દીઠ 2.50 રૂપિયા ફળ માટે અપાતા હતા જે હવે એક રૂપિયો આપવામાં આવે છે. આ સ્થિતિ સામે અમદાવાદની આંગણવાડીની બહેનો લડી લેવાના મૂડમાં છે.દરરોજ આંગણવાડીની બહેનો સરકાર સામે સવાલ ઉઠાવે છે કે અમને સુવિધા આપો. જેથી અમે સ્લમ વિસ્તારનાં બાળકોનું ભવિષ્ય સુધારી શકીએ. પરંતુ અહીં ન તો ગટરની વ્યવસ્થા છે ન તો પાણીની.

ઉલ્ટાનું સરકાર આંગણવાડી ચલાવવા માટે બહેનોને માત્ર એક હજાર રૂપિયા ભાડું આપે છે. બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર આંગણવાડીની બહેનોને આહાર માટે પૈસા ચૂકવે છે, જેમાં બાળકોને પોષણ મળી રહે તે માટે ફળ પણ આપવામાં આવે છે પરંતુ આંગણવાડીના બહેનોનાં કહેવા પ્રમાણે હવે ફળની ચૂકવવા પાત્ર મુલ્યમાં સરકારે ઘટાડો કર્યો છે, નવા પરિપત્ર મુજબ હવે બહેનોને ૧ બાળક દીઠ એક રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી બહેનોએ બાળકોને સોમવાર અને ગુરુવારે ફળ ખવડાવવાનું રહેશે. આ સાંભળતાં બહેનોને પગ નીચેથી જમીન ખસી ગયાનો અનુભવ થયો છે.

આ અંગે આંગણવાડીનાં કાર્યકર્તા પારુલબેન કડિયાએ કહ્યું કે એક રૂપિયામાં એક દ્રાક્ષ આપવા માટે દુકાનદાર ખચકાશે.કારણ કે એક રૂપિયામાં કોઈપણ ફળ લેવું શક્ય નથી. તો આંગણવાડીના કાર્યકર્તા મિનાક્ષીબેને સ્પષ્ટ જણાવ્યુ કે તેમની પાસે 20 બાળકો ભણે છે. જેમનાં પોષણની જવાબદારી તેમની પાસે છે. પરંતુ એક રૂપિયામાં ફળની વાત કરીને સરકારે મજાક કરે છે. જેના વિરુધ્ધમાં તેઓ વિરોધ કરશે.અને આગામી સમયમાં ધરણાં કરશે. તો અંગે સુભાષબ્રિજનાં કામ કરતાં આંગણગાડી કાર્યકર્તા આશાબેન ભાવસારે પણ સરકાર સામે બાંયો ચડાવવાની વાત કરી છે.

મંદી અને મોંઘવારી વચ્ચે અમદાવાદની આંગણવાડી પીસાઈ રહી છે. આંગણવાડી બહેનોનો સતત આક્ષેપ છે કે આંગણવાડી ચલાવવા માટે તેમને સરકાર મદદ નથી કરતી. જે આંગણવાડી સરકારે બનાવી છે, તેમાં પણ સરકારે નથી આપી કોઈપણ સુવિધા.

આવી જ એક આંગણવાડી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી છે. જ્યાં નથી પાણીની સુવિધા કે નથી ગટરની સુવિધા. બાળકોને જયાં ભણવાય છે, તે જગ્યા પર વેઈટ મશીન પણ છે, પરંત આંગણવાડી બહેનોનાં કહેવા પ્રમાણે વેઈટ મશીન પણ બાળકોનું ખોટું વજન બતાવે છે, જેને કારણે સવાલ ઉભો થાય છે કે બાળકો કુપોષિત છે કે સરકારનું આપેલું વેઈટ મશીન.એટલું જ નહીં તમામ બહેનોનાં પગાર રેગ્યુલર થતાં નથી અને ગરમ નાસ્તાનાં પૈસા પણ નથી મળતાં.

જે અંગે આંગણવાડી કાર્યકર્તા યોગિનીબેન મોદી જણાવે છે કે ’સરકારે જે મેનુ આપ્યુ છે, તેનાં એડવાન્સ પૈસા નથી મળતાં જેને કારણે તેઓ પહેલેથી પરેશાન છે,એમાં એક રૂપયામાં એક ફળ આપવાની વાત કરીને સરકારે ફરી બાળકોની મઝાક કરી છે, તો આ અંગે આંગણવાડી કાર્યકર્તા નંદુબેને રાઠોડે જણાવ્યું કે સરકારને કારણે આંગણવાડીના બાળકોની સાથે તેમનાં બાળકોનું પણ પોષણ જોખમાય રહ્યું છે. કારણ કે આંગણવાડી ચલાવવા માટે તેમની પાસે પૈસા નથી. જેને કારણે તેઓ આગામી દિવસમાં રાજીનામું આપશે.

આઇસીડીએસ ડિપાર્ટમેન્ટના પ્રોગ્રામ ઓફિસર મીનળબેન મહેતાના કહેવા પ્રમાણે જૂના પરિપત્રમાં સરકારે બાળક દીઠ 2.50 ફાળવ્યા હતા જે હવે વધીને 3.15 રૂપિયા થઈ ગયા છે. પરિપત્રમાં જે એક રૂપિયો લખેલો છે જે એક દિવસનો લખેલો છે.અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્રારા ચાલતાં આઇસીડીએસ ડિપાર્ટમેન્ટના પ્રોગ્રામ ઓફિસર મીનળબેન મહેતાના કહેવા પ્રમાણે જૂના પરિપત્રમાં સરકારે બાળક દીઠ 2.50 ફાળવ્યા હતા જે હવે વધીને 3.15 રૂપિયા થઈ ગયા છે. પરિપત્રમાં જે એક રૂપિયો લખેલો છે જે એક દિવસનો લખેલો છે. મહિનાની ગણતરી કરીએ તો 3.15 રૂપિયા એક દિવસનાં ગણી શકાય.

સરકારના નવા પરિપત્ર મુજબ બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો પુરો પ્રયાસ છે.. પરંતુ આ પ્રયાસ પાછળ કરવામાં આવતો ખર્ચ અનેક સવાલો ઉઠાવી રહ્યો છે. બાળક દીઠ ફળ માટે એક રૂપિયો આપવો તે બાળકો સાથે મજાક છે કે પછી ખરેખર સરકારને ચિંતા છે, તે સમજવું અઘરું છે.