ફિલ્મના શૂટિંગ પછી સેલેબ્સ દ્વારા પહેરવામાં આવતા કપડાંનું શું થાય છે? જાણો રસપ્રદ વાતો…  

દર શુક્રવારે થિયેટરમાં કોઈકને કોઈક ફિલ્મ ટકોરા દે છે. કોઈ હીટ તો કોઈ સુપર હીટ થાય છે. તો બીજી બાજુ, કેટલીક ફિલ્મો કાં તો ફ્લોપ હોય છે અથવા સુપર ફ્લોપ. હવે પછી તે ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, લોકેશનથી લઈને સ્ટાર્સ સુધીની દરેક બાબતમાં ઘણો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મના શૂટિંગ પછી સેલેબ્સ દ્વારા પહેરવામાં આવતા કપડાંનું શું થાય છે?

સામાન્ય રીતે બધાના મગજમાં આ વાત ચાલતી તો હશે કે હિરો કે હીરોઈનનાં મોંઘાદાટ કપડાનું શું થાય છે. યશ રાજ ફિલ્મ્સની સ્ટાઈલિસ્ટ આયેશા ખન્નાએ એક મુલાકાતમાં આ સવાલનો સચોટ જવાબ આપ્યો હતો.

એક મુલાકાતમાં આયેશાએ જણાવ્યું હતું કે, ફિલ્મોમાં સેલેબ્સ દ્વારા પહેરવામાં આવતા મોટાભાગના કપડા સાચવીને રાખવામાં આવે છે. આ સાથે તે કપડા પર ફિલ્મનું ટેગ લગાવવામાં આવે છે. તે પછી આ કપડાંને મિક્સ અને મેચ કરાય છે અને જુનિયર કલાકારો માટે વાપરવામાં આવે છે. આ ઉપરાંત જે તે પ્રોડક્શન હાઉસની અન્ય ફિલ્મોમાં પણ સુધારા-વધારા કરી આ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે.

આયેશા વધુમાં કહે છે કે, અન્ય ફિલ્મોમાં આ કપડાંનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે દર્શકોને ખબર ન પડે કે આ કપડાં અગાઉની ફિલ્મોમાં વપરાયા છે. જ્યારે કેટલાક સ્ટાર્સ કપડાં પસંદ આવે તો તે પોતાની પાસે પણ રાખી લે છે.

આ સિવાય અનેક વખત જોવા મળ્યું છે કે કોઈ મોટા સેલિબ્રિટી ડીઝાઈનર કોઈ ફિલ્મ માટે ડ્રેસ તૈયાર કરે છે તો ફિલ્મનું શૂટીંગ થયા પછી તે કપડાં પાછા લઈ લેવામાં આવે છે. અને ફિલ્મના રિલીઝ બાદ તેની હરાજી કરવામાં આ છે. નોંધનીય છે કે રોબોટ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રજનીકાંત દ્વારા પહેરેલા કપડાંની એનજીઓ માટે રૂપિયા એકત્ર કરવા માટે ઓન લાઈન હરાજી કરવામાં આવી હતી.