ઉદ્વવ ઠાકરેએ પાસ કર્યો ફ્લોર ટેસ્ટ,169 ધારાસભ્યોનું સમર્થન, બહુમતિના આંકડા કરતાં પણ મળ્યો વધુ ટેકો

મહારાષ્ટ્રમાં આખરે ઉદ્વવ ઠાકરે સરકારે બહુમતિ માટેનો ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. અગ્નિપરીક્ષામાં ઠાકરે સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપે વોક આઉટ કર્યો હતો. બહુમતિ માટે જરૂરી 145 ધારાસભ્યોના સમર્થન કરતાં મહાગઠબંગનની સરકારને વધુ 24 જેટલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. પ્રોટેમ સ્પીકર દિલીપ વાલસેએ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી.

ઉદ્વવ ઠાકરે પહેલીવાર ભગવી પાઘડીમાં વિધાનસભામા આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગળે ભેટ્યા હતા. વિધાનસભામાં પ્રવેશ કરતાં પહેલા ઉદ્વવ ઠાકરેએ શિવાજીની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આશિર્વાદ લીધા હતા. ભાજપે ભારે હંગામો કર્યો હતો. એનસીપીના નવાબ મલીક અને કોંગ્રેસના અશોક ચૌહાણે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ફ્લોર ટેસ્ટ દરમિયાન રાજ ઠાકરેના ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા જ્યારે ઓવેસીની પાર્ટીના ધારાસભ્યોએ પણ તટસ્થ રહેવાનું મુનાસીબ માન્યું હતું. આમ કુલ ચાર ધારાસભ્યો તટસ્થા રહ્યા હતા.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, સુપ્રિયા સુલે અને પ્રિયંકા ચતુર્વેદી પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા જોવા મળ્યા હતા.