સુરેન્દ્રનગરના પાટડીના વણોદ પથંકના તળાવમાં વિદેશી પક્ષીઓના બંદૂકથી શિકારની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વણોદના બાબરકી તળાવ પાસે 100થી વધુ મૃત પક્ષીઓ, લોહીના ડાઘા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી આવતા વન વિભાગના આલા અધિકારીઓની ટીમ વણોદ તળાવ ખુંદવા દોડી ગઇ હતી.
વણોદ પથંકમાં સારા વરસાદ બાદ બાબરકી તળાવ સહિતની અંદાજે 100થી વધુ વીઘાની પડતર જમીનમાં પુષ્કળ વરસાદી પાણીનો ભરાવો થતાં વિદેશી પક્ષીઓના ઝુંડ વણોદ પથંક તરફ વળીને પડાવ નાખ્યો હતો. પરંતુ શિકારી ગેન્ગ દ્વારા આ નિજર્ન સ્થળ પર છેલ્લા બે દિવસથી અડ્ડો જમાવી બંદૂકની ગોળીએથી સેંકડો પક્ષીઓને મોતને ઘાટ ઉતારી શિકારની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.
વણોદ પથંકના બાબરકી તળાવની ડાબી બાજુએ એકસાથે 100થી વધુ મૃત પક્ષીઓના લાઇનબધ્ધ ઢગલા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી આવતા વનવિભાગ પણ ચોંકી ઉઠ્યું હતુ. વણોદ પાસેના વિસ્તારમાં ભરાયેલા પાણીમાં યાયાવર પક્ષીઓના જમાવડાના લીધે કેટલાક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો ફોટોગ્રાફી માટે અહી આવ્યા હતા અને એમણે અહી મૃત પક્ષીઓ અને કારતૂસ જોતા નવ વિભાગના જાણ કરતાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ગોઝારા બનાવની જાણ થતાં બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરત છાશીયા, પાટડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. આર. મેર, ફોરેસ્ટર બી. જે. પાટડીયા, એચ. એમ. પરેજીયા, ડી.ડી.કામેજલીયા સહિત બજાણા અને પાટડી રેન્જના તમામ સ્ટાફે વણોદ પથંકમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.