ઝારખંડ ચૂંટણી: પ્રથમ તબક્કામાં 62.87 ટકા જેવું ઉંચુ મતદાન

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 13 સીટો પર સઘન સુરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે મતદાન શરૂ થયુ હતુ. સવારે મતદાન શરૂ થયા બાદથી જ કેટલાક મતદાન મથકો ખાતે લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઓછા મતદારો પહોંચ્યા હતા. કલાકોના ગાળામાં જ કેટલીક જગ્યાએ ઉંચુ મતદાન થયુ હતુ. બીજી બાજુ ગુમલા જિલ્લામાં નક્સલી હુમલાના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. પ્રથમ તબક્કામાં 62.87 ટકા જેવું ઉંચું વોટીંગ થયું હતું.

જાણકારી મુજબ નક્સલીઓએ બિશુનપુરમાં બ્રિજને ફુંકી માર્યુ હતુ. જો કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. ડેપ્યુટી કમીશ્નર શસી રંજને માહિતી આપતા કહ્યુ છે કે હુમલો કરવામાં આવ્યા બાદ મતદાનને લઇને કોઇ અસર કોઇ જગ્યાએ થઇ ન હતી. મતદાન જારી રહ્યુ હતુ. જો કે આ હુમલા બાદ નક્સલીઓની ગતિવિધીને રોકવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આશરે ૩૭૮૩૦૫૫ મતદારો પૈકી મોટી સંખ્યામાં મતદારો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ શરૂઆતમાં કર્યો હતો. મતદાન પૂર્ણ થતાની સાથે જ 189 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પ્રથમ તબક્કામાં એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં આવેલા ઉમેદવારોની આકરી કસોટી થઇ રહી છે. આમાં કેટલાક એવા ઉમેદવારોના ભાવિ પણ સામેલ છે જે હવાની સ્થિતી જોઇને મેદાનમાં ઉતરી ગયા છે.

આ ચૂટણી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ બંને માટે ઉપયોગી છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ સરકાર બચાવી લેવા માટે તમામ તાકાત લગાવી ચુકી છે. બીજી બાજુ વિપક્ષ રઘુવરદાસ સરકારને સત્તાથી દુર કરવા માટે તમામ તાકાત લગાવી રહી છે. આ ચૂંટણીના તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી આરોગ્ય પ્રધાન રામચન્દ્ર ચન્દ્રવંશી,કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ રામેશ્વર ઉરાંવ, પૂર્વ પ્રધાન તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાનુ પ્રતાપ શાહી મેદાનમાં છે. રાજ્યના મુખ્યપ્રધાન રઘુબર દાસે પ્રજાને મતદાનમાં મોટા પાયે સામેલ થવા માટે અપીલ કરી છે.

તેમણે કહ્યુ છે કે દરેક મત પ્રદેશના વિકાસ માટે ઉપયોગી છે. મોટી સંખ્યામાં પોલિગ બુથ પર પહોંચીને મતદાનમાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 189 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 174 પુરૂષ ઉમેદવારો અને 15 મહિલા ઉમેદવારો છે. મતદાન સવારે સાત વાગ્યા શરૂ કરવામાં આવ્યા બાદ બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે. આ તબક્કામાં સૌથી વધારે ૨૮ ઉમેદવારો ભવનાથપુર સીટ પરથી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઝારખંડમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઇ રહી છે.

પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. 81 સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. 23મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 30મી નવેમ્બરના દિવસે એટલે કે આજે, સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં, 12મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં, 16મી ડિસેમ્બરે ચોથા તબક્કામાં અને 20મી ડિસેમ્બરના દિવસે પાંચમા તબક્કામાં મતદાન થશે. ઝારખંડમાં વર્તમાન વિધાનસભાની મુદ્દત પાંચ જાન્યુઆરી-2020ના દિવસે પૂર્ણ થઈ રહી છે.