ટ્રાફિકના નિયમ બાદ અમિત શાહની પોલીસ કાયદામાં ફેરફાર કરવાની મોટી જાહેરાત, IPC-CRPC બદલાશે

અખિલ ભારતીય પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકાર ટૂંક સમયમાં આઈપીસી અને સીઆરપીસી કાયદાઓમાં સુધારા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં અખિલ ભારતીય પોલીસ સાયન્સ કોંગ્રેસ-2019 ના સમાપન અવસરે સંબોધન કરતા કહ્યું કે, ટૂંક સમયમાં આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર કરવામાં આવશે. આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર એ હવે સમયની જરૃરિયાત છે. એટલું જ નહીં, જ્યારે આ કાયદા બનાવવામાં આવ્યા હતાં ત્યારે અંગ્રેજો આપણા પર શાસન કરતા હતાં. તેમની પ્રાથમિક્તા ભારતના નાગરિકો નહતા. હવે આપણે આઝાદ છીએ તો તેમાં જનતાની સગવડ પ્રમાણે ફેરફારની જરૃર છે. બ્રિટિશ રાજ્યમાં બનેલા આઈપીસી અને સીઆરપીસી જેવા કાયદા હવે અપાસંગિક થઈ ગયા છે. આજની જરૃરિયાતો પ્રમાણે આ કાયદામાં મોટા ફેરફારની જરૃરિયાત છે જેને લઈને તેમાં ફેરફાર કરવામાં આવશે. આ માટે અમિત શાહે રાજ્યો પાસે સૂચનો પણ માંગ્યા.

અમિત શાહે એક રક્ષા શક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી અને કહ્યું કે, કેન્દ્ર સરકાર તેના માટે એક ખરડો લાવશે. જે રાજ્યોમાં પોલીસ વિશ્વવિદ્યાલય નથી ત્યાં વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજ પણ સ્થાપિત કરાશે. તેનાથી દેશમાં રેડીમેડ પોલીસ ઓફિસરોની જરૃરિયાત પૂરી થઈ શકશે. જનતાનો દૃષ્ટિકોણ પોલીસ માટે અને પોલીસનો દૃષ્ટિકોણ જનતા માટેનો બદલવો જરૃરી છે. ફિલ્મોમાં મોટી ફાંદવાળા પોલીસકર્મીઓને દેખાડીને મજાક ઊડાવી શકાય છે, પરંતુ એ પણ સમજવાની જરૃર છે કે પોલીસકર્મીઓ પર સુરક્ષાની કેટલી જવાબદારીઓ હોય છે. લોકો દિવાળી ઉજવતા હોય છે ત્યારે પોલીસકર્મીઓ સુરક્ષામાં લાગેલા હોય છે.

તેમણે કહ્યું કે લોકો રજા લઈને ઘરે જાય છે, હોળી ખેલે છે, પરંતુ પોલીસકર્મીઓ તે ચિંતામાં હોય છે કે ક્યાંક કોઈ તોફાન ન થાય. અમિત શાહે વધુમાં કહ્યું કે, પોલીસ વિભાગના ૩પ હજાર જવાનોએ પોતાની શહાદત આપી અને ત્યારપછી આ દેશના લોકો આજે પોતાને સુરક્ષિત મહેસુસ કરે છે. આથી જરૃરી છે કે જનતા અને પોલીસ બન્ને એકબીજાને જોવાનો દૃષ્ટિોકણ બદલે. તેમણે પોલીસ સુધારણા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.