સુરતનો ઐતિહાસિક રાજમાર્ગ બીજી ડિસેમ્બરથી એક મહિના માટે કરાશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તાઓ

સુરતના રાજમાર્ગ પર બીજી ડિસેમ્બરે ચોકથી ભાગળ કે ભાગળથી જવાનું વિચારતા હો તો માંડી વાળજો અથવા ડાયવર્ટ કરેલા રૂટ પરથી જવાનું રાખજો. આનું કારણ એ છે કે સુરતના ઐતિહાસિક રાજમાર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવનાર છે.

સુરતના સેન્ટ્રલ ઝોન એટલે જૂના સુરત અને કોટ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનું કામ ચાલી રહ્યું છે. સુરત મહાનદરપાલિકા દ્વારા ભાગળથી ચોક બજારનો રસ્તો બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને અલગ અલગ વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનની અવરજવર કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરતના રાજમાર્ગની આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ માસ્ટર પ્લાન મુજબ રાઈડર લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આના કારણે લાલગેટ, રાણી તળાવ, મુગલીસરા, ચોકબજાર, સીંધીવાડ, શાહપોર, નાણાવટ જેવા વિસ્તારોમા ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી રહી છે. ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર ચાર રસ્તા સુધીના રાજમાર્ગને એક મહિના માટે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી રાજમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર તરફ આવતા વાહનો માટે ભાગળથી ડીકેએમ હોસ્પિટલ ચાર રસ્તા અને ત્યાંથી નાનપુરા એકતા સર્કલ થઈ વિવેકાનંદ બ્રિજથી ચોક બજારનો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત રૂવાળા ટેકરાથી ભવાની વાડ થઈ રાણી તળાવ થઈ અન્ય આંતરિક રસ્તાઓને ઉપયોગ કરી શકાશે. ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ થતાં જ રસ્તો ફરી ખોલવામાં આવશે.