આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, રાજકોટમાં સનસનાટી, સીસીટીવી ફૂટેજ મળ્યા, આરોપીના માથે 50 હજારનું ઈનામ

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર ખરાબ રીતે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ભોગ બનનાર આઠ વર્ષીય બાળકી શ્રમિક પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવી છે. આ ઘટનાના ભારે પડઘા પડતા થોરાળા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની માહિતી આપનારને 50 હજાર આપવાની જાહેરાત કરાઈ છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં રહેતો બાબરાનો શ્રમિક પરિવાર રાજકોટ શહેરના 50 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. હવસખોર અપહરણકારે બાળકીને 80 ફૂટ રોડ ઉપર આવેલા પુલ નીચે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને બાળકીના શરીરના ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને તેના ઝૂંપડાથી દુર મૂકી ભાગી છૂટ્યો હતો. તે સમયે બાળકી રડવા લાગી હતી. અને પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના પરિવારને જણાવી હતી. જેથી શ્રમિક પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે.