સિયાચીનમાં અઢાર હજાર ફૂટે હિમપ્રપાત, બે સૈનિક શહીદ

વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર એવાં સિયાચીન ગ્લેશિયરમાં બર્ફીલા તોફાનમાં બે સૈનિકો માર્યા ગયા હતા. ભારતીય સેનાએ કહ્યું કે સૈનિકો આજે વહેલી સવારે દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18,000 ફૂટની ઉંચાઇએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હિમપ્રપાત થયો હતો અને બરફમાં ફસાઈ જવાના કારણે બે સૈનિકો શહીદ થયા હતા.

સેનાએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા સૈનિકોને બચાવ્યા હતા. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા ભારતીય સૈન્યના 4 જવાનો સિયાચીન ગ્લેશિયરમાં ભીષણ હિમપ્રપાતમાં શહીદ હતા. આ સિવાય બે પોર્ટર પણ માર્યા ગયા હતા.

સિયાચીનમાં અગાઉ પણ ભારતીય સેનાના સેંકડો સૈનિકો આવા અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આંકડા મુજબ વર્ષ 1984થી હિમપ્રપાતની ઘટનાઓમાં સિયાચીનમાં 35 સૈન્ય અધિકારીઓ સહિત 1000થી વધુ સૈનિકો શહીદ થયા છે. ૨૦16 માં આવી જ ઘટનામાં મદ્રાસ રેજિમેન્ટના સૈનિક હનુમાનંથપ્પા સહિત કુલ 10 જવાનો બરફમાં દબાઈને શહીદ થયા હતા.

કારાકોરમ ક્ષેત્રમાં આશરે 20 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને  વિશ્વનો સૌથી ઉંચું સૈન્ય ઝોન માનવામાં આવે છે, જ્યાં સૈનિકોને ફ્રોસ્ટબાઈટ (અતિશય ઠંડીના કારણે શરીર સુન મારી જવું) અને તીવ્ર પવનનો સામનો કરવો પડે છે. ઠંડીની મોસમમાં હિમપ્રપાતની ઘટનાઓ ગ્લેશિયર પર સામાન્ય છે. વળી, અહીંનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.