અમદાવાદના સાબરમતિ ખાતે કોંગ્રેસના જનવેદના સંમેલનમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ફરી વાર દારુબંધીને લઈ આકરા પ્રહાર કરી જોરદાર હુમલો કર્યો હતો.
અશોક ગેહલોતે પોતાના અગાઉના નિવેદનને વળગી રહી કહ્યું કે મેં અગાઉ કહ્યું હતું કે હું ગુજરાતમાં આઠ-દસ દિવસ રહ્યો હતો. ગાંધીના ગુજરાતમાં મેં જોયું કે સાંજ પડેને કેટલાક લોકો દારુ પીવામાં મસ્ત થઈ જાય છે. મેં કહ્યું હતું કે ગુજરાતના ઘર-ઘરમાં દારુ પીવાય છે. હર ઘરમાં નહીં. ઘર-ઘર અને હર ઘરમાં બહુ મોટો ફરક છે. મેં કહ્યું કે જો સાચું ન હોય તો હું રાજનીતિ છોડી દઈશ અથવા તમે રાજીનામું આપી દેજો.
તેમણે કહ્યું કે મારા નિવેદનને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતીઓને દારુડીયા કહ્યા અને ગુજરાતનું અપમાન કર્યું. મારા નિવેદનનો જવાબ આપવાના બદલે વિજય રૂપાણીએ લોકોને ભડકાવ્યા.
તેમણે કહ્યું કે વિજય રૂપાણીને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં દારુ રાજસ્થાન, એમપી, હરિયાણા, પંજાબથી આવે છે. તો વિજય રૂપાણીએ આ સરકારોને વિનંતી કરવાની હતી કે ગુજરાતમાં દારુબંધી છે અને અમારા રાજ્યમાં દારુને પ્રવેશતા રોકો. પણ આવું કહેવાને બદલે વિજય રૂપાણીએ ગુજરાતનું અપમાન બતાવીને લોકોને ઉશ્કેર્યા.
તેમણે કહ્યું કે ગુજરાતમાં રિમોટ કન્ટ્રોલ સીએમ છે. અમિત શાહે સમજી વિચારીને જ વિજય રૂપાણીને સીએમ બનાવ્યા છે. ખેડુતોની સરકારને પડી નથી.