મુખ્ય સચિવ તરીકે ચાર્જ લેતા અનિલ મુકીમ, કહ્યું” ગુજરાત વિકાસની હરણફાળ ફરે તે જ મારો પ્રયાસ” 

ગુજરાતના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ નવેમ્બરના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. આમ તો તેઓ ગત મેમાં જ વયનિવૃત્ત થઈ ચૂક્યાં હતા, પરંતુ તેમને એક્સટેન્શન અપાયું હતું. હવે તેમના સ્થાને રાજ્યના નવા મુખ્યસચિવ તરીકે અનિલ મુકીમનું નામ ફાઈનલ થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પદ માટે અનેક વરિષ્ઠ અધિકારીઓ રેસમાં હતા. જો કે તમામને પછાડીને અનિલ મુકીમે બાજી મારી હતી.

અનિલ મુકીમ દિલ્હીથી પરત ફર્યા હતા અને તેઓ પદભાર સંભાળ્યો. એરપોર્ટ પર તે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક વિકસિત રાજ્ય છે. તે ભારતનાં શ્રેષ્ઠ રાજ્યો પૈકી અને વિકસિત રાજ્યો પૈકીનું એક છે. તેનો મહત્તમ વિકાસ થાય તે જ મારુ ધ્યેય રહેશે. આ ઉપરાંત શહેર અને ગામ એક જ સિક્કાની બે બાજુ છે. જેથી કોઇ પણ પ્રકારે બંન્નેનો વિકાસમાં કોઇ ત્રુટી ન રહી જાય તે અમારી પ્રાથમિકતા છે.

અનિલ મુકીમ રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. ૧૯૮૫ની બેચના અનિલ મુકીમનો કાર્યકાય ઓગસ્ટ-૨૦૨૦ સુધીનો રહેશે. આ પદ માટે અરવિંદ અગ્રવાલ, શાંતનુ ચક્રવર્તી, પૂનમચંદ પરમાર, સંગીતા સિંહ, પંકજ કુમાર, ડો. ગુરુપ્રસાદ મોહપાત્ર, વિપુલ મિત્રા, આર.કે. ગુપ્તા સહિતના ઘણાં અધિકારીઓના ચર્ચાયા હતાં પરંતુ પસંદગીનો કળશ અનિલ મુકીમ ઉપર ઢોળાયો છે.