અમદાવાદમાં આ કાર ચાલકને ફટકારાયો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ, અપાયો 9.80 લાખનો મેમો

ગુજરાત પોલીસે અમદાવાદમાં એક કારનું ટ્રાફીક નિયમોના ભંગ બદલ 9.80 લાખ રૂપિયાના ચલણ ફાડ્યું છે. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો ચાલાન હશે. નવું મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશના મોટાભાગના ભાગોમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.  જોકે, ગુજરાત સરકારે તેમાં કેટલાક સુધારા કર્યા પછી તેને તેના રાજ્યમાં અમલમાં મૂક્યો છે.

અમદાવાદમાં કાર માલિકની ઘોર બેદરકારી અત્યાર સુધીના મોટામાં મોટો મેમો સુધી દોરી ગઈ છે. પોલીસે કારને આંતરીને કાગળીયાની તપાસ કરી તો ટ્રાફિક પોલીસ પાસે દંડ ફટકારવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.

અમદાવાદ ડીસીપી ટ્રાફિક અજિત રંજન ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે પોલીસે ગઈકાલે પોર્શે-911 કાર રોકી હતી અને તેના માલિકને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.જ્યારે કારને રોકી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમાં કારના કાગળો નથી. કારની રજિસ્ટ્રેશન નંબર પણ ન હતો. એટલું જ નહીં કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું.

પોલીસે કહ્યું કે કારનો ઇન્સ્યોરન્સ પણ નહોતો, આ કાર ચાલકને આ પહેલાં પણ અનેક વખત દંડના મેમો આપવામાં આવ્યા છે. વિવિધ રીતે ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ અગાઉ કાર માલિકને નવ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો,. હવે પોલીસે 8૦ હજાર રૂપિયાનો નવો મેમો આપતા અગાઉની દંડની રકમમાં વધારો થયો અને દંડની રકમ 9.80 લાખ પર પહોંચી ગઈ છે.