બોગસ દસ્તાવેજોથી NOC: અમદાવાદ-પૂર્વની DPS સ્કૂલની માન્યતા રદ થશે

અમદાવાદ પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલ અંગે મહત્વનાં સમાચાર છે. ખોટા એનઓસી અને બોગસ દસ્તાવેજ રજૂ કરી ડીપીએસ સ્કૂલે માન્યતા લીધી હોવાનો ખુલાસો થયા પછી સીબીએસઈ બોર્ડ દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવાની નિર્ણય લેવાયો છે.

આ અંગે વધુ માહિતી પ્રમાણે, આ સ્કૂલની માન્યતા એપ્રિલ મહિના સુધી જ માન્ય રહેશે ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની માન્યતા રદ થશે. કારણ કે હાલમાં ત્યાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં ન રહે. એપ્રિલ મહિના બાદ આ શાળામાં નવાં કોઇ બાળકોને પ્રવેશ નહીં મળે અને સ્કૂલની માન્યતા પણ રદ કરી દેવામાં આવશે.

નિત્યાનંદ આશ્રમને જમીન આપવા મુદ્દે ડીપીએસ સ્કૂલ સામે ચાલતી તપાસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સંચાલક મંજૂલા શ્રોફ તેમજ અન્ય ટ્રસ્ટી મેમ્બર હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ આચાર્ય અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરી છે. મંજૂલા શ્રોફ ,હિતેન વસંત અને પૂર્વ આચાર્ય સામે છેતરપિંડીના ગુના હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

શિક્ષણ વિભાગે નિત્યાનંદ આશ્રમને જમીન આપવા બદલ ડીપીએસ સામે કરેલી તપાસ બાદ રિપોર્ટ સીબીએસઈને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ડીપીએસ સ્કૂલ માન્યતા માટે જમીનના ખોટા દસ્તાવેજો તેમજ ખોટી માહિતી આપવાવામાં આવી હતી, તેમજ ખોટી એનઓસી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ રિપોર્ટમાં સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

સીબીએસઈ પાસેથી મળેલા બનાવટી એનઓસી લેટરની કોપીના આધારે શિક્ષણ વિભાગે ડીપીએસ સામે પોલીસ ફરિયાદ કરી છે.