લંડન બ્રિજ પર છૂરાબાજી અને ગોળીબાર, આતંકી હૂમલાની આશંકા, અનેકને ઈજા, હુમલાખોર માર્યો ગયો?

બ્રિટિશ પોલીસે શુક્રવારે એક ‘ઘટના’ નો હવાલો આપીને ઐતિહાસિક લંડન બ્રિજને ઘેરી લીધો હતો અને ખાલી કરાવ્યો હતો. લોકોને તે વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. જોકે, ‘ઘટના’ નું શું થઈ તે હજી સ્પષ્ટ નથી. પોલીસના જણાવ્યા અનુસાર ચાકૂથી કરાયેલા હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે આ વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાયો છે.

સ્કોટલેન્ડ યાર્ડે નિવેદનમાં કહ્યું કે, “અમે લંડન બ્રિજની ઘટનાના સંદર્ભમાં પ્રારંભિક તબક્કે છીએ.” પોલીસે લોકોને અપીલ કરી હતી, “જો તમે સ્થળની નજીક હોવ તો ત્યાં હાજર અધિકારીઓની સૂચનાનું પાલન કરો.” સ્કાય ન્યૂઝના અહેવાલો અનુસાર પોલીસે હુમલાખોરને ગોળી મારી દીધી છે.

ગોળીબાર કે ચાકૂથી હુમલો અથવા આવી કોઈ અન્ય ઘટના બની છે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. લંડન મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે, ‘પોલીસને બપોરે 1:57 વાગ્યે (લંડન સમય અનુસાર) વાગ્યે ફોન આવ્યો હતો કે લંડન બ્રિજ પાસે કોઈએ ચાકૂથી હુમલો કર્યો છે. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. અમને લાગે છે કે કેટલાક લોકો ઘાયલ થયા છે. વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનને ટવિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘મને સતત લંડન બ્રિજની ઘટના અંગે માહિતી આપવામાં આવી રહી છે. પોલીસ અને તમામ ઇમરજન્સી સેવાઓનો તાત્કાલિક એક્શનમાં આવવા બદલ તેમનો આભાર માનું છું.

નોંધનીય છે કે લંડન બ્રિજ એવા વિસ્તારમા આવેલું છે જ્યાં જૂન-2017માં આઈએસઆઈએસ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 11 લોકોના મોત થયા હતા. આતંકીઓએ ગાડીને રાહદરીઓ પર ચઢાવી દીધી હતી અને અંધાધૂંધ છૂરાબાજી કરી હતી.