ટોન ચેન્જ: સામનામાં લખાયું ‘મોદી ઠાકરે ભાઈ ભાઈ!’

આજે સામનાના સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદીને ભાઈ-ભાઈ ગણાવાયા છે અને વડાપ્રધાન મોદીના  વખાણ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી-કોંગ્રેસના ગઠબંધન ‘મહારાષ્ટ્ર વિકાસ અઘાડી મોર્ચા’ના નેતા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તેવું લાગી રહ્યું છે કે, સત્તામાં આવ્યા પછી શિવસેનાનો મિજાજ બદલાઈ ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના મુખપત્ર સામનામાં દરરોજ બીજેપી અને મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી હતી, પરંતુ આજે સામનાના સંપાદકીયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. અખબારમાં લખવામાં આવ્યું છે કે, ‘ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્રભાઈ મોદી ભાઈ-ભાઈ છે.’ સામનાએ પીએમ મોદીના વખાણ કરતા લખ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ-શિવસેનામાં અબોલા છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી અને ઉદ્ધવ ઠાકરેના સંબંધ ભાઈ-ભાઈના છે. તેથી મહારાષ્ટ્રના નાના ભાઈને વડાપ્રધાનના રૃપે સાથ આપવાની જવાબદારી મોદીની છે. વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે, માત્ર એક પાર્ટીના નથી હોતા.

નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણમાં સામેલ થવા માટે આમંત્રણ પણ મોકલ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ જાતે પીએમ મોદીને ફોન કર્યો હતો, જો કે પીએમ મોદીએ આવવામાં અસમર્થતા વ્યક્ત કરતા ફોન પર જ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છાઓ પાઠવી હતી.

સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ નવી સરકાર અને મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ તિવ્ર ગતિથી થશે. તેના માટે કેન્દ્રની નીતિ સહયોગવાળી હોવી જોઈએ.