કાશ્મીર-લદાખમાં બરફ વર્ષાએ તોડ્યો સાંઈઠ વર્ષનો રેકોર્ડઃ નવેમ્બરમાં 300 ટકા વધુ વરસાદ

કાશ્મીર અને લદાખમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. નવેમ્બરમાં 300 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જેથી 60 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ ગઈ છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીર ખીણ અને લદાખમાં નવેમ્બર મહિનામાં એકધારો પશ્ચિમી હવાઓનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ અને બરફવર્ષાએ ખીણ વિસ્તારમાં ૬૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. નવેમ્બર મહિનામાં સામાન્યથી ૩૦૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ પશ્ચિમી હવાઓ અને અરબી સમુદ્રમાં ઉઠેલા મહા સાઈકલોનના મેળાપને કારણે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ભારે વરસાદ અને બરફ વર્ષા થઈ છે અને એનો પ્રભાવ ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં પણ પડ્યો છે. નવેમ્બર પહેલા સપ્તાહમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 7 અને 8 નવેમ્બરમાં ભારે બરફ વર્ષા થઈ હતી. કલાકમાં બેથી ચાર ફૂટ જેટલો બરફ જમા થઈ ગયો હતો.

ખરાબ મોસમ અને સતત વરસાદને કારણે વૈષ્ણોદેવી તીર્થસ્થાનના હિમકોટી ક્ષેત્રમાં પહાડ પરથી પથ્થર પડવાથી બેટરી કાર બંધ કરી દેવામાં આવી હતી અને હાલમાં માત્ર જૂના પરંપરાગત માર્ગ પર જ યાત્રા થઈ રહી છે. સતત વરસાદ અને તેજ બર્ફીલી હવાઓને કારણે હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ હતી. જો કે, ભવન માર્ગ પર ચાલનારી બેટરી કાર સેવા અને વૈષ્ણવોદેવી ભવન અને ભૈરવઘાટની વચ્ચે ચાલતી કેબલ કાર સેવા ચાલુ રહી હતી. વરસાદ અને બરફવર્ષાને કારણે અહીંના ઉષ્ણતામાનમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.

ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના જુદા જુદા ભાગોમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે. બીજી બાજુ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં એકાઅક વધારો થઇ ગયો છે.

હિમાચલપ્રદેશ, જમ્મુકાશ્મીર અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં વરસાદ અને ભારે હિમવર્ષાના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. જનજીવન પર માઠી અસર થઇ છે. હિમાચલપ્રદેશમાં હાલ વરસાદ અને હિમવર્ષા જારી રહી શકે છે. હિમાચલપ્રદેશના લાહોલ સ્પિતિમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે હિમવર્ષા થઇ રહી છે.

કેદારનાથ ધામમાં તો બે ત્રણ ફુટ સુધી બરફ પડતા ચારેબાજુ બરફના થર જામી ગયા છે. યમનૌત્રી, બદરીનાથ ધામ, હેમકુંડના પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. પિથોરાગઢમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. ઉત્તરાખંડમાં વરસાદની સાથે સાથે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઇ છે. નૈનિતાલમાં ભારે હિમવર્ષા થઇ છે.

હવામાન વિભાગના કહેવા મુજબ પહેલી ડિસેમ્બર સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે હિમવર્ષા પડી શકે છે. ભારે હિમવર્ષાના કારણે લોકો સાવધાન થઇ ગયા છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનમાં વધારે ઠંડી માટે યેલો અલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. બીજી બાજુ એકાએક ઠંડીના ચમકારાના કારણે બાળકો અને મોટી વયના લોકો જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનના સકંજામાં આવી ગયા છે. સમગ્ર ઉત્તર ભારતમાં હવે ઠંડી ધીમે ધીમે વધી રહી છે.

રાજસ્થાનના અજમેર, અલવર, ભીલવાડા, જયપુર, ઝુંઝનુ, સીકર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, જોધપુર, નાગોર, અને શ્રી ગંગાનગરમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન અનેક સ્થળો પર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં તો ભારે હિમવર્ષા થઈ રહી છે.