ખાનગી બસવાળાને હંફાવવા હવે ગુજરાત એસટીની નવી યોજના :કંડક્ટર મિત્ર”: હવે ટીકીટની ચિંતા ન કરતા

એસ.ટી. નિગમે ‘કંડક્ટર મિત્ર’નામની નવી યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ મોટા શહેરમાં જ્યાં બસોનું પીક-અપ સ્ટેન્ડ ન હોય, તેવા કેટલાક સ્થળેથી પણ ટિકિટ બુકીંગ માટે ‘કંડક્ટર મિત્રો’ ની વ્યવસ્થા કરશે.

એસ.ટી.નિગમે ખાનગી ટ્રાવેલ્સની તર્જ પર એક નવી યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ મોટા શહેરોમાં જ્યાં પીક-અપ સ્ટેન્ડ ન હોય તેવા સ્થળો પર ‘કંડક્ટર મિત્રો’ એસ.ટી. બસની મુસાફરી માટે ટિકિટ બુકીંગ કરશે. આ માટે કંડક્ટર મિત્રો શહેરના નક્કી કરેલા કેટલાક મુખ્ય-મુખ્ય સ્થળે ઉભા રહેશે અને ટિકિટોનું બુકીંગ કરશે. આ માટે એસ.ટી.ની નાની-નાની પેટા કચેરીઓ પણ ઉભી કરવાની તૈયારી છે. આથી લોકોને પીક-અપ સ્ટેન્ડ કે બસડેપો સુધી એડવાન્સ ટિકિટ બુકીંગ માટે જવું નહીં પડે અને નજીકના સ્થળેથી જ એડવાન્સ બુકીંગ થઈ શકશે.

અત્યારે મોટા ભાગે એસ.ટી.માં એડવાન્સ બુકીંગ લોકો ઓનલાઈન કરાવી રહ્યાં છે, પરંતુ વધુ લોકોને આવરી લેવા એસ.ટી. નિગમે આ યોજના લોન્ચ કરી છે. કારણ કે હજુ પણ ૪૮ ટકા જેટલું એડવાન્સ બુકીંગ એસ.ટી. સ્ટેન્ડોના કાઉન્ટરો પરથી થઈ રહ્યું છે. હાલમાં અમદાવાદ, રાજકોટ સહિતના કેટલાક શહેરોમાં આ યોજના પ્રાયોગિક ધોરણે લાગુ કરાશે અને ધીમેધીમે તેને વિસ્તારવામાં આવશે, તેમ એસ.ટી. નિગમના સૂત્રો જણાવે છે.