બિનસચિવાલય ક્લાર્ક વિગેરેની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ અંગે આજે કોંગ્રેસે બોલાવેલી પ્રેસકોન્ફરન્સમાં પુરાવા રજૂ કરી અમિત ચાવડાએ રૃપાણી સરકાર પર તડાપીટ બોલાવી હતી અને કડક કદમ નહીં ઊઠાવાય તો આંદોલનની ચિમકી પણ આપી છે.
આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાજેતરમાં લેવાયેલી બિનસચિવાય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ ની ૩૯૦૧ જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પુરાવા રૃપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસી ટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતાં. સીસી ટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ. વિદ્યાલયમાં ૧ર થી ર વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક ૧.૧૪ વાગે ક્લાસરૃમ છોડીને બહાર જાય છે અને અંદાજે ૩૦ મિનિટ પછી ક્લાસરૃમમાં પરત આવે છે અને આવ્યા પછી ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે. અન્ય એક કિસ્સામાં સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક ૧.૧૪ વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાનો મોબાઈલમાં કેદ કરતો દેખાય છે.
આ સમગ્ર મામલાનો એનએસયુઆઈ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લે લેવાયેલી ૧૧ પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરૃદ્ધ કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસી ટીવીની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં શિક્ષણનું વ્યાપારીકરણ અને ખાનગીકરણ થયું છે. તલાટી-કમ-મંત્રી, લોકરક્ષક, બિનસચિવાલય સહિતની સ્પર્ધામાં પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના બની રહી છે.
અમિત ચાવડાએ કહ્યું કે, આ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. તત્કાળ કડક પગલાં નહીં લેવાય તો રાજ્યના યુવાનોને સાથે રાખીને મુખ્યમંત્રીનો ઘેરાવ કરાશે, તેમ જણાવી ચાવડાએ કહ્યું કે, સરકારની મીલીભગતથી યુવાનોને ભોગવવું પડે છે. બિસચિવાલયમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ છે.
પ્રેસ કોન્ફરન્સમાં મહિપાલસિંહે કહ્યું હતું કે, અમે અનેક જિલ્લાના સીસી ટીવી ફૂટેજ માંગ્યા છે પણ આપવામાં આવ્યા નથી. સરકાર આની તપાસ ન કરે ત્યાં સુધી પરિણામ જાહેર કરવું જોઈએ નહીં તથા આ પરીક્ષા રદ્ કરવી જોઈએ.