ઝારખંડમાં આવતીકાલે પ્રથમ ચરણની ચૂંટણી, જાણો ક્યાં અને કેટલી સીટો પર થશે મતદાન?

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં આવતીકાલે 13 વિધાનસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. પ્રથમ ચરણના પ્રચારમાં ભાજપે પૂરી તાકાત લગાડી દીધી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી પ્રચાર કરવા ગયા નથી.

કોંગ્રેસના કોઈ મોટા નેતા ઝારખંડમાં પ્રચાર કરી રહ્યા નથી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જ પ્રચારમાં જોવા મળી રહ્યા છે જ્યારે ભાજપે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પ્રચારમાં ઉતારીને ચૂંટણીનો માહોલ જમાવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે 25મીએ ડાલ્ટનગંજ અને ગુમલામાં બે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા, રામ મંદિર, જમ્મૂ-કાશ્મીરની કલમ 370 રદ્દ કરવા અને નક્સલવાદના મુદ્દાને લોકો સમક્ષ મૂક્યા હતા. કોંગ્રેસ શાસનના ભ્રષ્ટાચારને લોકો સામે રજૂ કર્યો હતો.

પ્રથમ તબક્કામાં ચતરા, ગુમલા, બિશનપુર, લોહારદાગા, માણિકા, લાતેહાર, પન્કી, ડાલ્ટનગંજ, બિશરામપુર, છતરપુર, હુસૈનાબાદ, ગઢવાલ અને ભવનંતપુર જેવી વિધાનસભા સીટ પર મતદાન કરવામાં આવશે.