સરકાર જતાં જ ફડણવીસની મુશ્કેલી વધી, કોર્ટે આ મામલે મોકલ્યું સમન્સ

નાગપુર પોલીસે સ્થાનિક અદાલત દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નામે સમન્સ જારી કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ચૂંટણીના સોગંદનામામાં, તેમની વિરુદ્ધ બે ફોજદારી કેસની માહિતી છુપાવવાના આરોપ સંબંધિત કેસ છે. આ કિસ્સામાં, સમન્સ આપવામાં આવ્યું છે. સદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અહીં ફડણવીસના ઘરે સમન્સ આપવામાં આવ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ગઠબંધન સરકારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી છે.

પૂર્વ સીએમ ફડણવીસ નાગપુરના ધારાસભ્ય છે. મેજિસ્ટ્રેટ કોર્ટે પહેલી નવેમ્બરના રોજ માહિતી છુપાવવા બદલ ભાજપના નેતા સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરતી અરજી પર સુનાવણી ફરી શરૂ કરી હતી.

નાગપુરના વકીલ સતીષ ઉકેએ ફડણવીસ સામે ગુનાહિત કાર્યવાહી શરૂ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. મુંબઈ હાઈકોર્ટે ઉકેની અરજીને ફગાવી દેવાના નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે પહેલી ઓક્ટોબરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટને વકીલ દ્વારા આપવામાં આવેલી અરજીની સુનાવણી આગળ વધારવા નિર્દેશ આપ્યો હતો.

ફડણવીસ વિરુદ્ધ 1996 અને 1998માં બનાવટી અને છેતરપિંડીના કેસો નોંધાયા હતા, પરંતુ બંને કેસોમાં આરોપો મૂકવામાં આવ્યા ન હતા. ઉકેએ આરોપ લગાવ્યો છે કે ફડણવીસે તેમના ચૂંટણી સોગંદનામામાં આ માહિતી જાહેર કરી નથી.