ઠાકરે સરકારને લઈ મુંબઈના ગુજરાતીઓમાં ભયની લાગણી શા માટે ફેલાવાઈ રહી છે?

આજે સાંજે ઠાકરે પરિવારના પ્રથમ નેતા ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણની સાથે જ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની રચના આગામી દિવસોમાં કરવામાં આવશે. ઠાકરે સરકારની રચનાથી ખાસ કરીને મુંબઈના ગુજરાતીઓ સહિત અન્ય ભાષાના લોકોમાં ભયની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

અમારી સાથે કેટલાક ગુજરાતી પરિવાર અને પત્રકારોએ આ અંગે વાત કરી હતી. શિવસેના પહેલેથી જ ગુજરાતીઓનો વિરોધ કરતી આવી છે. મુંબઈના મહત્વા વિસ્તારોમાં ગુજરાતીઓનો દબદબો છે. બિઝનેસથી લઈ અનેક બાબતોમાં ગુજરાતીઓ મુંબઈમાં અવ્વલ નંબરે આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ગુજરાતીઓનો ડંકો વાગે છે.

ભૂતકાળમાં નજર કરીએ તો બાલ ઠાકરેએ 1956માં આમચી મુંબઈ આંદોલન શરૂ કર્યું હતું અને આ આંદોલનમાં દક્ષિણ ભારતીયો ઉપરાંત ગુજરાતીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. શિવસેનાએ ગુજરાતીઓનેક્યારેય પણ સાથ આપ્યો હોવાની ઘટના રાજકીય ફલક પર નજરે પડતી નથી.

મુંબઈના ગુજરાતીઓને ભાજપ તરફી હોવાનું માનવામાં આવે છે. ઉદ્વવ ઠાકરે શપથ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે ગુજરાતીઓમાં ફરી એક વખત ભયની લાગણી ફેલાવવામાં આવી રહી છે કે શિવસેના દ્વારા ગુજરાતી સામે હવે નવેસરથી આંદોલન થઈ શકે છે. આવી રીતે અનેક પ્રકારની ઉટપટાંગ વાતો ફેલાવવામાં આવી રહી છે.

હવે મૂળ મુદ્દાની વાત એ છે કે આજથી 65 વર્ષ પહેલાનું મુંબઈ અને આજના મુંબઈમાં જેટલો ફરક છે તેટલો જ ફરક આજે 65 વર્ષ બાદ ગુજરાતીઓમાં પણ છે. ગુજરાતીઓનું મુંબઈના વિકાસમાં યોગદાન યાદગાર અને ચિર સ્મરણીય છે. ગુજરાતી વિનાની મુંબઈની કલ્પના કરવી પણ મુશ્કલ છે. પણ કેટલાક ચોખલીયા તત્વો દ્વારા શિવસેના સરકારમાં આવતાં જ ગુજરાતીઓને ચિંતા થાય તેવા પ્રકારના બાલિશ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ઉદ્વવ ઠાકરેએ ક્યારેય પણ ગુજરાતીઓ વિરુદ્વ બોલ્યું હોવાનું મુંબઈના ગુજરાતીઓને પણ યાદ નથી.

સરકારમાં આવ્યા બાદ ઠાકરે પરિવાર અને શિવસેનાનું મેકઓવર થઈ રહ્યું છે અને ગુજરાતીઓએ પણ ગભરાવાની જરૂર નથી. જે લોકો ભય ફેલાવવા અફવા બજાર ગરમ કરી રહ્યા છે તેની સામે પણ કાયદાનો રસ્તો અપનાવી શકાય છે. ભય ફેલાવી રહેલા તત્વોને ઝેર કરવામાં આવે તે જરૂરી છે. આજે ગુજરાતીઓ છે તો મુંબઈ છે.