ગુજરાતના નવા ચીફ સેક્રેટરી કોણ બનશે? આ અધિકારીઓના નામો છે ચર્ચામાં…

ગુજરાતના મુખ્ય સચિવ અંગે અટકળો જોરમાં ચાલી રહી છે.  નવા મુખ્ય સચિવ તરીકે કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં પ્રમોશન અને કરિયરના બેકગ્રાઉન્ડના આધારે કોના પર પસંદગી કળશે ઢોળાશે તે અંગે ચાલી રહેલી ચર્ચામાં ચાર અધિકારીઓના નામ ટોપ પર છે. જો સરકારની ઈચ્છા હશે તો મહિલા આઈએએસ અધિકારી પણ મુખ્ય સચિવપદે આ વખતે બિરાજી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. ચર્ચાઈ રહેલા નામોમાં અનિલ મુકીમ, અરવિંદ અગ્રવાલ, પંકજકુમાર તેમજ સંગીતાસિંઘ સહિતના નામો સામેલ છે.

રાજ્યના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘનો એક્સ્ટેન્શનો કાર્યકાળ પૂર્ણ થશે તે જોતા હવે નવા મુખ્ય સચિવપદે  કોની નિયુક્તિ થશે તે મુદ્દો સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, મુખ્ય સચિવપદના દાવેદાર ગણાતા સિનિયર અધિકારીઓ નિવૃત્તના આરે છે તે જોતા રૃપાણી સરકાર કોને મુખ્ય સચિવની જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

જોકે, સિનિયોરિટીના ધોરણે અરવિંદ અગ્રવાલ ઉપરાંત અનિલ મુકીમનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. આ તમામ અટકળો પરથી 30મી નવેમ્બરની સાંજ સુધીમાં પરદો ઊંચકાઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસમાં વહીવટી તંત્રમાં બઢતી-બદલીનો દોર આવે તેવી સંભાવના છે. પાટનગર ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠક મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘ માટેની આખરી બેઠક હતી. 30મી નવેમ્બરે તેઓ નિવૃત્ત થશે. હવે મુખ્ય સચિવ પદ માટે સિનિયોરિટીની દૃષ્ટિએ અરવિંદ અગ્રવાલ ટોપ પર છે  પણ જીપીસીબીમાં પ્રમોશનને લઈને થયેલો વિવાદ તેમને  નડી શકે છે.

આ ઉપરાંત 1985 બેચના આઈએએસ સુજીત ગુલાટી, પ્રેમકુમાર ગેરાને નિવૃત્તના આડે હવે થોડાક મહિના જ બાકી છે. એટલે તેમના માટે મુખ્ય સચિવપદ મળવું મુશ્કેલ છે. ત્યારપછી અનિલ મુકીમનું નામ હરોળમાં છે. તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે એટલે તેઓ ગુજરાતમાં પાછા બોલાવાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

આ ઉપરાંત આઈએએસ દિનાનાથ પાંડે નિવૃત્તના આરે છે. અતુનુ ચક્રવર્તી પણ કેન્દ્રમાં છે. કૃષિ સચિવ પૂનમચંદ પરમારને પણ નિવૃત્તિના આડે થોડાક જ મહિના બાકી છે. આ બધાય આઈએએસ અધિકારીઓને મુખ્ય સચિવપદે નિયુક્તિ થાય તેવી સંભાવના ઓછી છે. અત્યારે ગૃહવિભાગની કમાન સંભાળતા સંગીતાસિંઘ પણ મુખય સચિવની રેસમાં છે. મહેસુલ સચિવ પંકજકુમાર રૃપાણી સરકારની ગુડબુકમાં છે એટલે તેમનું નામ મોખરે બોલાઈ રહ્યું છે. છેલ્લે ગુરુપ્રસાદ મહાપાત્રાનું નામ ચાલી રહ્યું છે જેઓ અત્યારે કેન્દ્રમાં છે.

જાણકારોનું કહેવું છે કે, જો પંકજ કુમાર અથવા સંગીતાસિંઘને મુખ્ય સચિવપદે નિયુક્તિ કરવામાં આવે તો ચારથી વધુ સિનિયર આઈએએસને સુપરસીડ કરાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ વખતે આવું થવાની શક્યતા જોવાઈ રહી છે. આમ, અત્યારે તો રૃપાણી સરકારમાં મુખ્ય સચિવની પસંદગી પર કળશ ઢોળવા કશ્મકશ ચાલી રહી છે. 30મી સાંજ સુધીમાં આ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.

બીજી તરફ એવી ચર્ચા પણ છે કે, અનિલ મુકીમની મોટાભાગે પસંદગી થઈ ગઈ છે અને તેમની પસંદગીની સાથે જ અન્ય અધિકારીની બદલીઓ પણ કરવામાં આવનાર છે. ત્યારે આ સમગ્ર મામલાની ફાઈલ લઈને કે. કૈલાશનાથન દિલ્હી ગયા છે. દિલ્હીમાં ફાઈલ ક્લીયર થયા પછી અનિલ મુકીમના નામની જાહેરાત કરવામાં આવશે.

અનિલ મુકીમ ઓગસ્ટ-2020 માં નિવૃત્ત થનાર છે. તેમના પછી ડી.એન. પાંડે, અતનુ ચક્રવર્તી, પૂનમચંદ પરમાર, સંગીતાસિંહ સહિતના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓ છે, પરંતુ તે તમામ પણ 2020 માં વયનિવૃત્ત થઈ જશે. આ સ્થિતિમાં સરકારે અમુક મહિના માટે કોઈ સિનિયરને બનાવવા પડે તેમ છે, તેથી વર્ષ ર૦રર માં નિવૃત્ત થનાર કોઈ અધિકારી પણ પસંદ થઈ શકે છે.