માનશો? નિત્યાનંદના કારણે અમદાવાદના આ યુવાનની હાઈટ ત્રણ ઈંચ વધી ગઈ, બોલો કેવી રીતે?

શું આ શક્ય છે કે કોઈ વ્યક્તિની મીનીટો કે ક્લાકોની અંદર જ ત્રણ ઇંચની લંબાઈ વધી જાય? સાયન્સમાં તો આ શક્ય નથી, પરંતુ જો તમારું નામ અમિતાભ શાહ છે, તો કંઈપણ થઈ શકે છે. હાલમાં જ એક ફેસબુક લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમાં અનસ્ટોપેબલના સ્થાપક અમિતાભ શાહે સ્વયંભુ બાબા નિત્યાનંદના આશીર્વાદથી તેમની લંબાઈ ત્રણ ઇંચ વધી જવાનો દાવો કર્યો છે.

અમિતાભ શાહ ગુજરાતની પહેલી વ્યક્તિ હોવાનું કહેવાય છે જે વિવાદિત બાબા નિત્યાનંદના અનુયાયી બન્યા હતા. આ વીડિયો સારાહ સ્ટેફની લેન્ડ્રીએ ગયા વર્ષે 13 એપ્રિલે અપલોડ કર્યો હતો, જે નિત્યાનંદના આશ્રમમાં શિક્ષિકા રહી ચૂકી છે. જો કે, પાછળથી આ કેનેડિયને નિત્યાનંદ વિરુદ્ધ અનેક વીડિયો પ્રકાશિત કર્યા અને દાવો કર્યો કે આશ્રમમાં બાળકોને ત્રાસ આપવામાં આવે છે.

વીડિયોની શરૂઆતમાં, લેન્ડ્રી અમિતાભ શાહ સાથે વાત કરી રહ્યા છે, જેમાં દાવો કરાયો છે કે તેમની હાઈટ પહેલા ઓછી હતી પરંતુ ધાર્મિક વિધિમાં સામેલ થયા બાદ થોડીક મિનિટોમાં તેમની હાઈટ વધી ગઈ. ત્યારબાદ લેન્ડ્રીએ શાહની પત્ની રશ્મિ સાથે વાત કરી, જે એક દિવાલ સામે ઉભી હતી, જેમાં તેણે તેની પહેલાની ઉંચાઇ અને પછીની ઉંચાઇના બે નિશાન માર્ક કરીને બતાવ્યા હતા. રશ્મિએ કહ્યું, “તેમણે સ્વામીજીને લંબાઈ બે ઇંચ વધારવા કહ્યું હતું.” રશ્મિએ જણાવ્યું હતું કે મહા સદાશિવોહમમાં ભાગ લીધા પછી તેની ઉંચાઈ વધી ગઈ છે.

આ પછી અમિતાભ શાહે કહ્યું, ‘અમે લોકો માટે લાઈવ સેશન કરીશું. સોનિયાજી, પ્લીઝ, મારી લંબાઈ માપો. ‘ અમિતાભ શાહે વધુમાં કહ્યું કે, ‘મેં સ્વામીજી પાસેથી ત્રણ વસ્તુ માંગી હતી. તેમાં લંબાઈ પણ શામેલ હતી. નિત્યાનંદની ધાર્મિક વિધિમાં જોડાયા પછી મારી લંબાઈ વધી ગઈ. ‘ લેન્ડ્રીએ વીડિયોમાં સમજાવ્યું, “મહા સદાશિવહોમ એક મહિમા છે જે કોઈપણ ઓબ્જેક્ટના કદમાં વધારો કરવાની શક્તિ આપે છે.” લેન્ડ્રીએ અમિતાભ શાહને કહ્યું કે જેમ જેમ ઉંચાઈ વધે છે તેમ તેમ જવાબદારી પણ વધે છે.

આ પછી, બંને મહિલાઓએ અમિતાભની લંબાઈ માપી હતી અને હાઈટ પહેલાં કરતાં ત્રણ ઇંચ વધી ગયેલી જોવા મળી. વીડિયોના અંતમાં અમિતાભ શાહ અન્ય લોકોને આશ્રમમાં આવવાનું કહે છે. તમિળનાડુના વતની નિત્યાનંદના પૂર્વ સચિવ જનાર્દન શર્માએ આરોપ લગાવ્યો કે તેના ત્રણ બાળકોને આશ્રમમાં કેદ કરવામાં આવ્યા છે. આ પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.