રાજકોટ RTO હત્યા પ્રકરણ: આ કારણોસર કરાઈ હતી હત્યા, આરોપીઓનો આવી રીતે થયો જાહેરમાં ફજેતો

રાજકોટની આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં બાર દિવસ પૂર્વે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણમાં ફરાર તમામ છ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. યુવકની હત્યા રેડિયમ પટ્ટીના મામલે નહીં પરંતુ હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની વાત આવતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે છ આરોપી પાસે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ સરઘસ કાઢી આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી માફી માગી હતી.

દૂધસાગર રોડ પરની લાખાજીરાજ સોસાયટીમાં રહેતો અને આરટીઓમાં રેડિયમ પટ્ટી લગાવવાનું કામ કરતો સાહિલ હનિફભાઇ પાયક (ઉ.વ.૨૫) અને તેનો ભાઇ એઝાઝ સહિતના લોકો ગત તા.૧૫ના સવારે ૧૦.૩૦ વાગ્યે આરટીઓ કચેરીમાં પોતાના કામ પર હતા. ત્યારે કનુ આહીર અને તેનો ડ્રાઇવર ટ્રકનું પાસિંગ કરાવવા આવ્યો હતો અને ટ્રકમાં રેડિયમ પટ્ટી નહીં લગાવી હોવાનું સાહિલે આરટીઓ ઇન્સ્પેક્ટર ગામીતનું ધ્યાન દોરતા સાહિલ અને કનુ વચ્ચે બોલાચાલી થઇ હતી, બપોરે ૨.૩૦ વાગ્યે બંને પક્ષે બેસીને સમાધાન કરી લીધું હતું. પરંતુ એક કલાક પછી ૩.૩૦ વાગ્યે કનુ સહિતના શખ્સો ફરીથી ધસી ગયા હતા અને સાહિલને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો તેમજ અન્ય ચારને પણ ઇજા થઇ હતી.