નશાના રવાડે ચઢેલા યુવાનોને લઈ વડોદરા પોલીસની મેગા ડ્રાઈવ, સ્કૂલ, કોલેજો ફરતે સઘન ચેકીંગ

ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધનને અટકાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે ઝુંબેશના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા વડોદરા શહેરની સ્કૂલો-કોલેજની આસપાસ આવેલા પાનના ગલ્લા, ચાની કીટલીઓ સહિત વિવિધ સ્થળોએ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કેટલીક દુકાનો અને કીટલીઓ ઉપર શંકાસ્પદ જણાઇ આવેલી ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધન વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. એક સપ્તાહ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા ડ્રગ્સના સેવન કરાતા સ્થળો પર સામૂહિક દરોડા પાડ્યા હતા. અને ૫૪ યુવાનોને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. જે માહિતીના આધારે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની સૂચના પ્રમાણે પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

વડોદરા પોલીસ તંત્ર દ્વારા ટીમો બનાવીને મેઘા ડ્રાઇવ રાખવામાં આવી હતી. વિવિધ ટીમો દ્વારા એમ.એસ.યુનિવર્સીટી, ગોત્રી મેડિકલ હોસ્પિટલ, હાઇસ્કૂલોની બહારના રેસ્ટોરન્ટો, ચાની કીટલીઓ, ફાસ્ટફૂડ સહિત નાસ્તાની હોટલોમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રની હાજરીમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાણી-પીણીની ચિજવસ્તુઓમાં કેફીયુક્ત પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં., તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જ્યાં શંકાસ્પદ જણાયેલી ચીજવસ્તુઓના નમૂના પણ લીધા હતા.