અમદાવાદ BRTS રૂટમાં ધૂસ્યા તો આવી બન્યું, ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ફટકાર્યા આકરા દંડ

અમદાવાદ શહેરના પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસની અડફેટે બે ભાઈઓના મોત થયા બાદ અમ્યુકો દ્વારા નવા લાગુ કરાયેલા પાંચ નિર્ણયોની અમલવારી શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચાલવતા ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આજ સવારથી ડ્રાઈવ શરૂ કરાઇ હતી અને વાહનચાલકો પાસેથી રૂ.બેથી ત્રણ હજાર અને પાંચ હજાર સુધીનો આકરો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. તો કેટલીક જગ્યાએ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. શહેરના સાબરમતી, ઘોડાસર સહિતના વિસ્તારોમાં શહેર ટ્રાફિક પોલીસે અમ્યુકોના અધિકારીઓ અને બાઉન્સરોને સાથે રાખી બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસેલા વાહનચાલકો પર તવાઇ બોલાવી હતીઅને તેમના વાહનો કોરિડોરમાં જ આંતરી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સાબરમતી અચેર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતા ચાલકોને ઝડપીને દંડ ફટકાર્યો હતો. જો કે, ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીના પગલે અનેક જગ્યાએ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. વાહનચાલકોએ પોતાના હોદ્દા અને ઉતાવળમાં ભૂલથી ઘુસી ગયા હોવાના બહાના બતાવી દંડથી બચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તમામને દંડ ફટકાર્યો હતો. સાબરમતી અચેર ઘોડાસર સહિતના બીઆરટીએસ કોરિડોરમાં આજે સવારથી પોલીસે સપાટો બોલાવ્યો હતો.

કોરિડોરમાં ઘુસેલા વાહનોની લાઈન લાગી ગઈ હતી. આગળ ટ્રાફિક જામ થયો સમજી અને વાહનચાલકોએ વાહન આવવા જ દીધા હતા. જેમને પોલીસે રોકી રૂ.૧૫૦૦થી રૂ.૫૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો હતો. બીઆરટીએસ કોરિડોરમાં આજથી શરૂ કરાયેલી પોલીસ અને અમ્યુકોની ડ્રાઇવને લઇ આકરો દંડ ભરવાના બદલે નિયમો પાળવાનું જ નાગરિકો હવે મુનાસીબ માની રહ્યા છે, તેનો સૌથી મોટો ફાયદો એ છે, કોરિડોરમાં બીજા વાહનો નહી પ્રવેશવાના કારણે અકસ્માતોની સંખ્યા ઘટશે.