ગોડસેને દેશભક્ત કહેવા બદલ ભાજપે પ્રજ્ઞાસિંહ ઠાકુર વિરુદ્વ લીધા મોટા એક્શન, રક્ષા મંત્રાલયની સમિતિથી હટાવાયા

લોકસભામાં બુધવારે ગોડસેને લગતા વિવાદિત નિવેદન માટે ભાજપે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે કડક કાર્યવાહી કરી હતી. પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હટાવવામાં આવ્યા છે. આ સાથે, તે હવે સંસદ સત્ર દરમિયાન યોજાનારી ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.

રિપોર્ટ અનુસાર ભાજપ હાઈકમાન્ડ વિવાદાસ્પદ નિવેદન અંગે ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરથી ભારે નારાજ હતો. ગુરુવારે સવારે સંસદમાં યોજાયેલી ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં પ્રજ્ઞાસિંહ પર કડક કાર્યવાહી કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડાએ પ્રજ્ઞાસિંહને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી દૂર કરવાની ભલામણ કરી હતી.

તેમણે પ્રજ્ઞાસિંહનાં નિવેદનને અસ્વીકાર્ય ગણાવ્યું અને ઉંડી નારાજગી વ્યક્ત કરી. પ્રજ્ઞાસિંહના નિવેદનની નિંદા કરતા નડ્ડાએ કહ્યું હતું કે, પાર્ટી ક્યારેય આવા નિવેદનોને સમર્થન આપતી નથી. તેમણે કહ્યું કે પ્રજ્ઞાસિંહ સંસદ સત્ર દરમિયાન ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.