મહારાષ્ટ્રમાં ખેલ હજુ બાકી છે:  ઉદ્વવ ઠાકરેની શપથ વિધિ પહેલાં અજિત પવાર લાપતા, મોબાઈલ બંધ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી નવી સરકારના શપથ ગ્રહણ પૂર્વે અજિત પવારના ગાયબ થવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમનો મોબાઇલ ફોન પણ બંધ થઈ ગયો છે. અજિત પવારના ગાયબ થયા બાદ શરદ પવાર અને એનસીપીના નેતાઓના હોશ ફરી એકવાર ઉડી ગયા છે.

હાલમાં એનસીપીના કોઈ નેતા અજિત પવાર ક્યાં છે તે કહેવાની સ્થિતિમાં નથી. જો કે, સત્તાવાર રીતે એનસીપીના નેતાએ કહ્યું કે તે ગુમ થયા નથી. તેમણે મોબાઈલ બંધ કરી દીધો કારણ કે લોકો તેમને વારંવાર ફોન કરીને ત્રાસ આપતા હતા. પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર ચોક્કસપણે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચશે.

ઉદ્ધવ ઠાકરે સરકારમાં અજિત પવારને શું જવાબદારી અપાશે તેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. શરદ પવાર પર એનસીપીએ પોતાનો નિર્ણય છોડી દીધો છે. ધારાસભ્ય પક્ષના નેતા જયંત પાટીલે એમ પણ કહ્યું છે કે માત્ર શરદ પવાર જ અજિત પવાર અંગે નિર્ણય લેશે.

બીજી તરફ, અજિત પવાર નવી સરકારમાં ડેપ્યુટી સીએમ પદ માટે માંગ કરી રહ્યા છે. શરૂઆતમાં શરદ પવાર પોતાના ભત્રીજાને ડેપ્યુટી સીએમ બનાવવાના મૂડમાં નહોતા, પરંતુ બુધવારે મોડી રાતથી અજિત પવારના સમર્થકોના દબાણ પછી તેઓ સંમત થઈ શકે છે, પરંતુ તેમ છતાં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.

અજિત પવારે એક દિવસ પહેલા પત્રકારોને કહ્યું હતું કે, હું એનસીપીમાં રહીશ. આ વિશે ભ્રમ જન્માવવાની જરૂર નથી. મારે હમણાં કહેવાનું કંઈ નથી. જ્યારે સમય યોગ્ય હશે ત્યારે હું બોલીશ. હું અગાઉ એનસીપીમાં જ હતો અને એનસીપીમાં રહીશ.

23 નવેમ્બરના રોજ અજીત પવારે એનસીપી અને શરદ પવારને મોટો ઝટકો આપી અણધાર્યું પગલું ભરી ભાજપને ટેકો આપી દીધો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તે પછી એનસીપીમાં અંધાધૂંધી સર્જાઈ હતી, પરંતુ શરદ પવારે સમગ્ર મામલામાં ડેમેજ કન્ટ્રોલ કરીને અજિત પવારે રાજીનામું આપવાની ફરજ પાડી હતી. રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનું પતન થયું હતું.