ઘર વાપસી બાદ આછોવાના: સુપ્રીયા સુલેએ અજિત પવારને વધાવ્યા, ઠાકરે સરકારમાં ભૂમિકાને લઈ કહી આ મહત્વની વાત

મહારાષ્ટ્ર મહિના લાંબા ચાલેલા રાજકીય ઘમાસાણમાં આખરે અજિત પવારની ઘર વાપસી થઈ છે અને એનસીપીની મીટીંગમાં હાજર રહેવા આવેલા અજિત પવારને બહેન સુપ્રીયા સૂલેએ ગળે લગાડી વધાવ્યા હતા.

એનસીપી નેતા અજિત પવારે બુધવારે કહ્યું હતું કે તેઓ તેમની પાર્ટીમાં ચાલુ રહેશે અને તેમને મંત્રીમંડળમાં શામેલ કરવાનો નિર્ણય નવા વરાયેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે. ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને ટેકો આપનારા અજિત પવારે કહ્યું હતું કે એનસીપીમાં તેમના રહેવા અંગે ‘મૂંઝવણ’  ઉભી કરવાનું કોઈ કારણ નથી.

વિધાન ભવન પરિસરમાં અજિત પવારે કહ્યું, ‘મારે હમણાં કશું બોલવું નથી, યોગ્ય સમય આવે ત્યારે હું બોલીશ. મેં અગાઉ પણ કહ્યું હતું કે હું એનસીપીમાં છું અને હું એનસીપીમાં રહીશ. મૂંઝવણ પેદા કરવા માટે કોઈ કારણ નથી.

તેમણે કહ્યું, ‘મને કેબિનેટમાં શામેલ કરવાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન તરીકે લેવાનો છે.’ તેમણે કહ્યું, ‘હું કોઈથી નાખુશ નથી. મારી પાર્ટી મને જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. દરમિયાન, એનસીપીના ધારાસભ્ય રોહિત પવારે બુધવારે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમના કાકા અજિત પવાર પાર્ટીમાં પાછા ફરશે અને ખુશ છે કે અજિત પવારે પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પવાર પરિવાર ‘સંયુક્ત’ છે અને હંમેશા રહેશે.

શરદ પવારના મોટા ભાઈ અપ્પાસાહેબ પવારના પૌત્ર રોહિત પવારે ન્યૂઝ ચેનલને કહ્યું, ” આ બધું કેવી રીતે બન્યું તે માની શકાતું નથી.” એક કાર્યકર તરીકે, હું વિગતવાર જાણતો નથી. પરિવારના સભ્ય તરીકે, થોડી મુશ્કેલી હતી, હું સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે. તેમને પૂછવામાં આવ્યું કે ભાજપ સાથે હાથ મિલાવ્યા પછી જ્યારે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તેઓને કેવું લાગ્યું હતું. રોહિત પવારે કહ્યું, ‘ અમને તેમની ઘર વાપસીની પૂરી ખાતરી હતી. અમે દાદાને બહુ સારી રીતે ઓળખીએ છીએ.