મોટાપાયા પર જીએસટીનું બોગસ રજિસ્ટ્રેશન, GST ચોરીને નાથવા મોદી સરકાર કમર કસે છે

GSTનું મોટા પાયે બોગસ રજિસ્ટ્રેશન થઈ રહ્યું હોવાની કબૂલાત જીએસટી વિભાગે કરી છે. કેન્દ્ર સરકારની આશંકા મુજબ 20 ટકા જેટલું જીએસટી રજિસ્ટ્રેશન બોગસ છે, જેને રદ્ કરવા નવી રણનીતિ બનાવાશે.

જીએસટી વિભાગે દેશમાં મોટાપાયે બોગસ જીએસટી રજિસ્ટ્રેશન થતાં હોવાની વાત કબૂલી છે અને કેન્દ્ર સરકારને એવી શંકા છે કે, દેશમાં 20 ટકા જેટલા જીએસટી રજિસ્ટ્રેશન બોગસ અને બનાવટી છે. આ બધાં જ બોગસ રજિસ્ટ્રેશનની તપાસ કરીને તેમને રદ્ કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. જીએસટી આવકમાં થઈ રહેલા સતત ઘટાડા અને કૌભાંડો થકી જીએસટી ચોરીના બનાવોથી ચિંતિત થઈને આજે રાજ્યોના સચિવો સાથે મહત્ત્વની બેઠક થઈ રહી છે. અને તેમાં નવી રણનીતિ બનાવવામાં આવશે અને નવા પગલાં જાહેર થવાની સંભાવના છે.

જીએસટી વિભાગને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ વડે બનાવટી રજિસ્ટ્રેશનની માહિતી મળે છે. અને સાથોસાથ  જીએસટી ઈન્ટેલિજન્સ વિંગના દરોડા દરમ્યાન બીપી બહાર આવેલા એક કૌભાંડકારી જૂથ મારફત જીએસટીચોરોની સામે કાર્યવાહી થઈ રહી છે.

એવું પણ બહાર આવ્યું છે કે, સરકારે આવા બનાવટી કારોબારીઓ વિરૃદ્ધ કડક અભિયાન શરૃ કરી દીધું છે. અને તેમના રજિસ્ટ્રેશન રદ્ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તેમના કારોબાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકારને પૂરેપૂરી શંકા છેકે, દેશમાં 20 ટકા જેટલા જીએસટી રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે બોગસ અને બનાવટી છે. અને તેને લીધે જીએસટીની આવકમાં ભારે ગંભીર ઘટાડો થઈ રહ્યો છે. સરકારની મહેસૂલી આવકમાં ગાબડાં પડી રહ્યા છે. અને આ ગાબડા પૂરવા માટે હવે સરકાર જાગી છે.