આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં બહુમતિ સાબિત કરવા ફડણવીસને આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે શું શરતો મૂકી છે?

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ ચાલી રહેલા રાજકીય યુદ્વમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં ફડણવીસે બહુમતિ સાબિત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ પહેલાં રાજ્યપાલે ફડણવીસને સાતમી ડિસેમ્બર સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ વચગાળાનો આદેશ છે. આનો અર્થ એ નીકળે છે કે આવનાર દિવસોમાં પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ માટે કરેલા આદેશમાં કેટલીક શરતો મૂકી છે. જે આ પ્રમાણે છે.

  • સ્પીકરની ચૂંટણી નહીં થાય. સામાન્ય રીતે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય પ્રોટેમ સ્પીકર બને છે.
  • આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ પૂર્ણ કરી દેવામાં આવે. ધારાસભ્યોના શપથ બાદ તરત જ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવે.
  • ગુપ્ત મતદાન થશે નહીં. સિક્રેટ બેલેટથી મતદાન કરવાનો પણ સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે અને મતદાનની પ્રક્રિયાને પારદર્શી રાખવાની પહેલ કરી છે.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ શરતો ઉપરાંત હાલની રાજકીય સ્થિતિમાં ધારાસભ્યોને લઈ ચાલી રહેલી ખેંચતાણ અંગે પણ આકરી ટીપ્પણી કરી છે. જસ્ટીસ રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને ધારાસભ્યોએ હજુ સુધી શપથ લીધા નથી. આ એક ગંભીર બાબત છે.

જસ્ટીસ રમન્નાએ કહ્યું કે સરકાર બનાવવા માટે ધારાસભ્યોના ખરીદ- વેચાણ ન થાય તેના માટે વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટને અંતિમ વિકલ્પ તરીકે જોવામાં આવે. મહારાષ્ટ્રનો મામલો પણ આવો જ એક છે.