નવા વકીલો હવે સીધા જ હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરી શકશે નહીં, તેવું નિવેદન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયું છે.
બારકાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જો નવા વકીલો હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરવા માંગતા હશે તો તેમણે ફરજિયાત અનુભવ મેળવવાનો રહેશે અને આ માટે ફરજિયાત અનુભવની કલમ ઉમેરવા એડવોકેટ્સ એક્ટમાં સુધારો કરશે.
બારકાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ નવા વકીલને કોઈપણ રાજ્યની કોઈપણ હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરતા પહેલા જિલ્લા કે તાલુકા કોર્ટમાં ઓછામાં ઓછા બે વર્ષની એડવોકેટ તરીકે પ્રેક્ટીસ ફરજિયાત બનાવશે અને સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરવા માંગતા વકીલને હાઈકોર્ટમાં બે વર્ષની પ્રેક્ટીસનો અનુભવ ફરજિયાત કરવામાં આવશે.
આમ હવે નવા એડવોકેટ સીધા હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરી શકે નહીં. હાઈકોર્ટમાં પ્રેક્ટીસ માટે નવા વકીલોએ સિવિલ કે જિલ્લા કોર્ટમાં બે વર્ષની પ્રેક્ટીસનો અનુભવ લેવો પડશે, અને એ જ રીતે સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરવા માટે વકીલોએ હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કર્યાનો બે વર્ષનો અનુભવ લેવો પડશે. બારકાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિવેદન અનુસાર તાજેતરમાં એક જાહેર સમારોહમાં ભારતના નવા મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે દ્વારા કરવામાં આવેલ સૂચનના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં એટર્ની જનરલ કે.કે. વેણુ ગોપાલ, અન્ય ટોચના વકીલો અને જજો હાજર રહ્યા હતાં. જો નવા નિયમો ઘડવામાં આવશે તો નવા વકીલે હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરવા માટે એક સર્ટીફિકેટ રજૂ કરવું પડશે, અને આ સર્ટીફિકેટ ૧પ વર્ષની પ્રેક્ટીસનો અનુભવ ધરાવનાર એડવોકેટ જ ઈસ્યુ કરી શકશે.
જો કે, જિલ્લા ન્યાયાધીશ પણ આ પ્રકારનું સર્ટીફિકેટ ઈસ્યુ કરી શકશે. બારકાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે, કોઈ નવા વકીલ બે વર્ષના અનુભવનું આ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ ન કરે તો તેવા નવા વકીલને હાઈકોર્ટ બારએસોસિએશન સભ્ય બનાવવા જોઈએ નહીં એટલે કે સભ્યપદ આપવું જોઈએ નહીં. એ જ રીતે સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટીસ કરવા માંગતા વકીલે હાઈકોર્ટ બાર એસોસિએશન હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા આ પ્રકારનું સર્ટીફિકેટ મેળવવા માટે વકીલો હાઈકોર્ટમાં કેટલી વખત એડવોકેટ તરીકે હાજર થયા છે. એવો એક નિયમ પણ ઘડવામાં આવશે અને વકીલે આ પ્રમાણપત્ર મેળવવા માટે પોતે કેટલી વખત કોર્ટમાં રજૂ થયા છે તે દર્શાવવું પડશે. આ નિયમોનો ચાર મહિનામાં અમલ થવાની શક્યતા છે. માર્ચ ર૦ર૦ સુધીમાં આ નવા નિયમો વકીલના વ્યવસાયમાં આવતા નવાગંતુકોને લાગુ પડશે. એડવોકેટ એક્ટ સુધારો કરીને તેમજ કાયદાની કલમ ૭ અને ૪૯ માં દર્શાવેલ વર્તમાન સત્તાનો ઉપયોગ કરીને કરી શકશે. એ જ રીતે તબીબી ક્ષેત્રમાં પણ બારકાઉન્સિલ વકીલો માટે ૧૦ વર્ષની પ્રેક્ટીસ ફરજિયાત કરવા જઈ રહી છે. વકીલે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૪૦ દિવસની તાલીમ પણ મેળવવી પડશે.
વેણુ ગોપાલે તાજેતરમાં આ સમારોહમાં બોલતા જણાવ્યું હતું કે, ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વયમર્યાદા વધારીને હવે ૬૭ થી ૭૦ વર્ષની કરવી જોઈએ. બારકાઉન્સિલ આ સૂચન સાથે સંમત થયેલ છે અને જણાવ્યું છે કે તેમની પણ આ એક લાંબા સમયની માંગણી હતી, પરંતુ બારકાઉન્સિલે જણાવ્યું હતું કે જો નિવૃત્તિ વયમર્યાદા વધારવામાં આવશે તો જજોને નિવૃત્તિ પછી કમિશન, ટ્રિબ્યુનલ કે બોર્ડમાં આપવામાં આવતું પોસ્ટીંગ મળશે નહીં. આ પોસ્ટીંગ તેના બદલે લાયક વકીલોને આપવામાં આવશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સબોડિનેટ જ્યુડિશિયરીમાં જજોની નિમણૂક માટે લઘુત્તમ અનુભવના વર્ષો નક્કી કરવાના મુદ્દા પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે. અગાઉ નીચલી અદાલતમાં જજ બનવા માટે ૩ વર્ષની વકીલાતનો અનુભવ જરૃરી હતો. સુપ્રિમ કોર્ટ જો કે પોતાના ચૂકાદામાં જ જરૃરિયાત હટાવી લીધી હતી.