આવી રીતે બચી શકે છે ફડણવીસ સરકાર, આખો ખેલ હવે પ્રોટેમ સ્પીકરના હાથમાં રહેશે

ગઈકાલે “સમકાલીન”માં લખાયું હતું કે આખો ખેલ હવે પ્રોટેમ સ્પીકરના હાથમાં છે. જો પ્રોટેમ સ્પીકર અજિત પવારની એનસીપીને વિધાનસભામાં માન્યતા આપી દે છે તો ભાજપ આસાનીથી બહુમતિ પાર કરી દેશે. 1996માં શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ગુજરાત વિધાનસભાના સ્પીકર ચંદુ ડાભીએ વિધાનસભાના ફ્લોર પર શંકરસિંહને માન્યતા આપી ભાજપની સરકારને પાડી દીધી હતી.

હવે આવો જ ખેલ મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. પ્રોટેમ સ્પીકરના હાથમાં બાજી છે. પ્રોટેમ સ્પીકરે અજિત પવારની એનસીપીને માન્યતા આપી દીધી તો શરદ પવાર, શિવસેના અને કોંગ્રેસ હાથ ઘસતા જ રહી જશે. પાછળથી ફ્લોર ટેસ્ટમાં કશું પણ થાય પણ એટલું તો પાક્કું છે કે ભાજપ સરકારને સંજીવની મળી જશે.

મહારાષ્ટ્રમાં સુપ્રિમ કોર્ટે બુધવારે સાંજના પાંચ વાગ્યે બહુમતિ પરીક્ષણની ડેડલાઇન ફિક્સ કર્યા બાદ હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે સવાલ છે કે 145ના મેજિક ફિગર સુધી કેવી રીતે પહોંચવા? વિપક્ષે 162 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. 105 ધારાસભ્યોવાળી ભાજપ અજિત પવારના દમખમ પર અડગ છે. આ આ અડગતા પ્રોટેમ સ્પીકરના ખેલ તરફ જ સીધી આંગળી ચિંધતી જણાય છે. આવી સ્થિતિમાં ફડણવીસ કેવી રીતે સરકાર બચાવી શકશે તે ચર્ચા ચાલી રહી છે.

વિકલ્પ-1: NCPના 36 ધારાસભ્યો અજિત પવાર સાથે આવી જાય

એનસીપીના કુલ 54 ધારાસભ્યો છે. પક્ષાંતર વિરોધી કાયદા પ્રમાણે અલગ જૂથની માન્યતા હાંસલ કરવા માટે બે તૃતિયાંશ ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. આના કારણે અજિત પવાર પાસે 36 ધારાસભ્યો હોવા જરૂરી છે. જો અજિત પવાર 36 અથવા તેના કરતાં વધારે ધારાસભ્યોનું સમર્થન હાંસલ કરી લે છે તો તેમને નવી પાર્ટી બનાવવામાં મુશ્કેલી નડશે નહીં, પણ આવું નહીં થાય તો તેમની સાથે અન્ય બળવાખોર ધારાસભ્યો ગેરલાયક ઠરી શકે છે. અજિત પવાર ઉપરાંત 13 અપક્ષોનો પણ ભાજપને ટેકો છે. આ અપક્ષો શિવસેના અને ભાજપના બળવાખોર નેતા છે. આવામાં ભાજપ 105-36-13 સાથે 154 સીટ પર પહોંચી જાય છે અને બહુમતિ હાંસલ કરી શકે છે.

હકીકત શું છે?

વર્તમાન સ્થિતિમાં આવું થતું દેખાતું નથી. અજિત પવારે સુપ્રીમ કોર્ટમાં ભલે એમ કહ્યું હોય કે હું એનસીપી છું પણ હજુ પણ આખાય ઘટના ક્રમમાં તેમની સાથે ધારાસભ્યો ઉભા રહેલા દેખાઈ રહ્યા નથી.

વિકલ્પ-2: જો ધારાસભ્યો વોટીંગથી દુર રહે અથવા ગાયબ થઈ જાય

બીજી સ્થિતિ એ પણ હોઈ શકે કે વિપક્ષોના કેટલાક ધારાસભ્યો મતદાન દરમિયાન ગૃહમાંથી ગેરહાજર રહે. આ સ્થિતિમાં, પ્રોટેમ સ્પીકરની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે. આવી સ્થિતિમાં બહુમતીનો આંકડો ઘટશે અને ભાજપ સરળતાથી બહુમતી સાબિત કરી શકે છે. 288 સભ્યોની વિધાનસભામાં હાલમાં ભાજપના 105 સભ્યો છે. બુધવારે ભાજપ અને વિપક્ષી પાર્ટીઓની રણનીતિ શું છે તે જોવું રહ્યું. જો આવું થાય, તો ભાજપ 105 + 13 + અન્યની સાથે, 145 નંબર પર પહોંચી શકે છે.

હકીકત શું છે?

આ એકમાત્ર સંભવિત સ્થિતિ છે કે જેમાંથી ફડણવીસ સરકાર બચી શકે. જોકે, આ કિસ્સામાં કેસ ફરીથી સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી શકે છે.

વિકલ્પ-3: શિવસેનામાં તોડફોડ 

ત્રીજી સ્થિતિ એ હોઈ શકે છે કે ભાજપ શિવસેનાની છાવણીમાં ઘૂસીને ધારાસભ્યોને તોડે અથવા રાજીનામું અપાવે. શિવસેના પાસે હાલમાં વિધાનસભામાં 56 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં પણ વિધાનસભામાં બહુમતીનો આંકડો ઘટશે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના કેટલાક નેતાઓ ધીમા સ્વરે પણ દાવો કરી રહ્યા છે કે શિવસેનાના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

હકીકત શું છે?

આવી શક્યતાઓ હાલ દૂર સુધી જણાતી નથી. પરંતુ રાજકારણમાં કંઈપણ શક્ય છે. મહારાષ્ટ્રમાં શનિવારની સવારની ઘટનાઓએ આ સાબિત કર્યું છે.

વિકલ્પ-4: કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય

ફડણવીસની સરકારને બચાવવા માટેની અંતિમ શરતોમાંની એક એ છે કે કોંગ્રેસના ધારાસભ્યોનું મોટું જૂથ ભાજપમાં જોડાય અને ભાજપને સમર્થન કરે.

હકીકત શું છે?

આ વાત પણ દૂરની વિદિત થાય છે. લગભગ આખી કોંગ્રેસનું ભાજપમાં સામેલ થવું અસંભવ દેખાય છે.  પરંતુ જેમ પહેલા પણ કહેવાયું કે આ તો રાજકારણ છે અને રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.