બ્રેકીંગ ન્યૂઝ: ફ્લોર ટેસ્ટના 24 ક્લાક પહેલાં જ ફડણવીસનું સરન્ડર, 80 ક્લાક બાદ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

78 ક્લાકના મુખ્યમંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાને તકવાદી અને સત્તા લક્ષી ગઠબંધન ગણાવી પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદ બાદ ફડણવીસ સીધા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળવા ગયા હતા અને મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાજભવન ખાતે ભાજપના નેતાઓનો મોટો કાફલો સાથે રહ્યો હતો.

આજે સવારે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં ફડણવીસ સરકારે ફ્લોર ટેસ્ટ કરવાનો રહેશે. ફ્લોર ટેસ્ટના 24ક્લાક પહેલાં જ ફડણવીસે રાજીનામું આપી દીધું હતું.

ફડણવીસ રાજીનામું આપે તે પહેલાં મહારાષ્ટ્રના રાજકારમાં ભારે ઉથલપાથલ ચાલી હતી. એનસીપીના બાગી નેતા અજિત પવારને મનાવવાની ભરપૂર કોશીશો કરવામાં આવી હતી. એનસીપીમાં ફેમિલી ડ્રામા સાથે પોલિટીકલ ડ્રામા સર્જાયો હતો. અજિત પવારની ઘર વાપસીની તૈયારી કરવામાં આવી હતી. અંતે અજિત પવારે રાજીનામું આપી દીધું હતું.

અજિત પવારના રાજીનામા બાદ દિલ્હીમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની મીટીંગ થઈ હતી અને મહારાષ્ટ્રની સ્થિતિ પર વિચારણા કરવામાં આવી હતી. એવું મનાય છે કે ફડણવીસને રાજીનામું આપી દેવાનું કહેવામાં આવ્યું હોવાની ચર્ચા છે. કારણ કે અજિત પવારના ખભે બહુમતિનો દાવો કરવામાં આવ્યો હતો અને જ્યારે અજિત પવારે જ સાથ છોડી દેતાં ભાજપ ફિક્સમાં મુકાઈ ગયો હતો.

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનો કાર્યભાર અખ્ત્યાર કર્યો હતો પણ અજિત પવારે ડેપ્યુટી સીએમનો કાર્યભાર સંભાળ્યો ન હતો. આ ઉપરાંત શરદ પવારના કેમ્પમાં 51 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ગઈ રાત્રે કોંગ્રેસ,એનસીપી અને શિવસેનાએ સંયુક્ત રીતે 162 ધારાસભ્યો સાથેનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દાવો કર્યો હતો કે બહુમતિ ગઠબંઘન પાસે છે. અજિત પવાર-દેવેન્દ્ર ફડણવીસ પાસે બહુમતિ નથી. જ્યારે અજિત પવારે રાજીનામું આપી દેતાં ભાજપની સ્થિતિ વિપરીત બની ગઈ હતી. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસે પાસે રાજીનામું આપ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.