ગુજરાતના દુર્ગમ આદિજાતિ વિસ્તાર ડાંગ જિલ્લાને ‘હર ખેતકો પાની’ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે 97.48 કરોડ રૂપિયાના ખર્ચે 2512 સિંચાઇ કૂવા ખોદકામની મંજૂરી આપી છે.
ડુંગરાળ અને કાયમી સિંચાઇથી વંચિત એવા ડાંગના વનબંધુ ખેડૂતોની સિંચાઇ સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી ભારત સરકારમાં રજૂઆત કરી હતી, જેનો આજે ફળદાયી પ્રતિસાદ મળ્યો છે. કુલ ૩૬૫૫ વનબંધુ ધરતીપુત્રોને આ લાભ મળશે. ૨૫૧૨ કૂવા, ૬૨૮ સોલાર પમ્પ, ૧૮૮૪ ઇલેકટ્રીકલ પમ્પથી ડાંગ-આહવાની ૩૭૬૮ હેકટર જમીનને સિંચાઇની તમામ સુવિધા મળશે. જેથી ધરતીપુત્રો મબલક પાક મેળવી શકશે.ડુંગરાળ એવો ડાંગ પ્રદેશ પાણીની કાયમી સુવિધાથી વર્ષોથી પિડાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રદેશમાં સિંચાઇની કાયમી સુવિધાના અભાવે આદિજાતિ ખેડૂતોને નાના ચેકડેમ આધારિત સિંચાઇ કરવી પડતી હોવાની રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આ સમસ્યાના નિવારણ માટે ભારત સરકારમાં પ્રોજેકટ રજૂ કરવા જળસંપત્તિ વિભાગને સૂચનાઓ આપી હતી. ત્યારે મુખ્યમંત્રીની સૂચનાઓને પગલે જળસંપત્તિ વિભાગે વિગતવાર પ્રેઝન્ટેશન અને દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલાવી હતી.
આ ઉપરાંત, આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ ૧૬૩.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી ભારત સરકાર ૬૦ઃ૪૦ના પ્રમાણ અનુસાર ૯૭.૪૮ કરોડ રૂપિયાની રકમ ગુજરાતને ફાળવી આપી છે. આ પ્રોજેકટ અનુસાર ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં કુલ ૨૫૧૨ કૂવાઓનું નિર્માણ કરાશે. આ સાથે જ ૬૨૮ સોલાર પમ્પ અને ૧૮૮૪ ઈલેકટ્રિકલ પમ્પ આ કૂવાઓમાંથી પાણી ખેતરો સુધી પહોંચાડવા ઉપયોગમાં લેવાશે.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત આ પ્રોજેકટથી આહવા-ડાંગની કુલ ૩૭૬૮ હેકટર જમીનને સિંચાઇ સુવિધા મળતી થશે. ૩૬૫૫ જેટલા આદિજાતિ ખેડૂતો સિંચાઇ દ્વારા પાક ઉત્પાદન લઇને આર્થિક સમૃદ્ધિની દિશા તરફ આગળ વધશે. ભારત સરકારે આ યોજના અન્વયે પ્રથમ હપ્તા પેટે રૂપિયા ૫૮.૪૮ કરોડની રકમ ગુજરાતના જળસંપત્તિ વિભાગને ફાળવી આપી છે.