શરદ પવારના નિવેદનથી સનસનાટી: માંગ્યું હતું અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ

સોમવારે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને લઈ સુપ્રીમ કોર્ટમાં  સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે ત્યારે શરદ પવારના નિવેદનથી સનસનાટી મચી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરરાવ ચૌહાણની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, એનસીપીએ શિવસેના પાસે અઢી વર્ષથી મુખ્યમંત્રી પદ માંગ્યું હતું.

અઢી વર્ષ માટે NCPના મુખ્યમંત્રી પદને લઈને શિવસેના સાથે મતભેદ ઉભા થયા હતા. અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપ ડેપ્યુટી સીએમ અજિત પવારને અઢી વર્ષ માટે  મુખ્યમંત્રી બનાવી શકે છે.

સંજય રાઉતે એમ પણ કહ્યું કે આજે એટલે કે સોમવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પણ રાજ્યપાલને મળવા જશે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય પક્ષો આજે બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલને મળશે અને ધારાસભ્યો દ્વારા સહી કરાયેલા ટેકોના પત્રો પણ સોંપશે.

શરદ પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસની સરકાર બનાવવામાં આવી છે અને એનસીપી નેતા અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા છે.

એનસીપીએ અજીત પવારને ધારાસભ્ય પક્ષના નેતાપદેથી હટાવ્યા છે અને આખો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાનમાં શરદ પવારના નિવેદનથી અનેક પ્રકારની અટકળો ફરીથી ગરમ થઈ જવા પામી છે.

આ અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ગુમ થયેલા ચાર ધારાસભ્યોમાંથી બે અનિલ પાટિલ અને દૌલત દરોડા મુંબઈ પાછા ફર્યા છે. તેમને ગુરુગ્રામની ઓબેરોય હોટલમાં રાખવામાં આવ્યા હતા. એનસીપી નેતાઓએ દાવો કર્યો છે કે મોડી રાતની ફ્લાઇટમાં બે ધારાસભ્યો ગુરુગ્રામની હોટલથી મુંબઇથી રવાના થયા છે.

એનસીપીના નેતાઓએ એવો દાવો પણ કર્યો છે કે રાષ્ટ્રવાદી યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ધીરજ શર્મા અને રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા દુહનની ટીમે ધારાસભ્યોને ગુરુગ્રામની હોટલથી મુંબઇ લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારના નેતૃત્વમાં આ ધારાસભ્યોએ આત્મવિશ્વાસ અને અખંડિતતા દર્શાવી છે.

એનસીપીના વિધાનસસભા પક્ષના નવા નેતા જયંત પાટીલે કહ્યું કે, રાત્રે બનેલી સરકાર રાત્રે સમાપ્ત થઈ જશે. સરકારમાં માત્ર મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્ય પ્રધાનો છે, તેથી તેઓ એકબીજાને મળી રહ્યા છે. જો તેઓ ઇચ્છતા હોય, તો તેઓએ બધા વિભાગોને એકબીજામાં વહેંચવા જોઈએ.